કુંભીનાં મોટાં વૃક્ષો થાય છે. તેનાં ફળોને વાકુંભા કહે છે, તે લગભગ એકથી દોઢ ઇંચ જેટલા લાંબા થાય છે. રંગે ઘેરા ભૂરા હોય છે. વાકુંભા લવિંગને મળતાં આવે છે. વાકુંભા સ્વાદે તૂરા હોય છે. તે પ્રમેહ, કૃમિ, કફ, ત્રિદોષ તથા માથાનાં દર્દને મટાડે છે. એનાથી વાયુનો નાશ થાય છે.
હવે અમે તમને જણાવીશું વાકુંભાના ફાયદાઓ વિશે વિગતવાર. નાનાં બાળકોને વાયુ થયો હોય ત્યારે તે મટાડવા વાકુંભાનો ઉપયોગ થાય છે. કરમિયા થયા હોય તે દૂર કરવા પણ એ વપરાય છે તેનાથી શુળ, આફરો વગેરે પણ મટે છે. નાનાં બાળકોને કૃમિ વિકાર હોય ત્યારે વાવડિંગ સાથે વાકુંભા આપવાથી કૃમિ મટે છે. પેટમાં થતો દુખાવો પણ મટે છે.
વાકુંભાથી બાળકની પાચનશક્તિ વધુ સારી બને છે. ખાધેલું બરાબર પચી જાય છે. એનાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ઉધરસ તથા શરદીમાં વાકુંભાનો ઉપયોગ થાય છે. એની છાલ પણ શરદી થઈ હોય ત્યારે છાતી પર ચોળવાથી ફાયદો કરે છે. ઘણા લોકો એનું તેલ કાઢીને પણ ઉપયોગમાં લે છે.
વાકુંભા યોનિના વાયુને દૂર કરી કમરને મજબૂત બનાવે છે. વાકુંભાનું ચૂર્ણ બનાવીને લેવાથી તે પેટની તકલીફ સુધારે છે. બાળકો માટેની દવામાં વાકુંભા વપરાય છે. બાળકો માટે તથા સ્ત્રીઓ માટે વાકુંભા મુખ્ય દવા છે. એનાં પાન વાટી લગાડવાથી ખરજ, દરાજ કે ચાંદુ કે ઘા પડ્યો હોય તો તે મટે છે. તો ચાલો હવે આપણે જાણીએ વાકુંભાના પ્રયોગો.
કટભીરજ, વાકુંભા, વાવડિંગ, ઈન્દ્રજવ, અતિવિષ, સંચળ, સુવા, સમાન ભાગે લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણ સહેજ લેવાથી પેટમાં થતો દુખાવો, આફરો અને અજીર્ણ મટે છે. વાકુંભાના ઔષધીય ગુણધર્મો રાત્રિ અંધાપામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વાકુંભાના પાંદડા ઉકાળીને લેવાથી અંધાપામાં રાહત મળે છે. વાકુંભાના પાનના રસના સેવનથી આંખોમાં રાહત મળે છે અને આંખોમાં દુખાવો ઓછો થાય છે.
વાકુંભા, સફેદ વજ, લવિંગ, અજમોદ, અતિવિષ, કડાછાલ, મોથ, લીંડીપીપર, સફેદ મરી, પીપરી મૂળ, વગેરે દરેક વસ્તુ અઢી અઢી ગ્રામ લઈ તેને વાટીને નાના દાણા જેવડી ગોળી બનાવી શકાય. આ રીતે બનાવાયેલી એક બે ગોળી બાળકોને આપવાથી ઝાડો, પેટનો ફુલાવો, પેટનાં જીવડાં, ઊલટી, ઘેન તથા દાંત આવતી વખતે થતી પીડા વગેરે મટે છે.
વાકુંભા ચરબી-મેદનો નાશ કરનાર ઔષધ છે. જેમને શરીરમાં ચરબી વધારે હોય તેમણે વાકુંભા, હિંગ, સંચળ, જીરું, ચિત્રક, સૂંઠ, મરી અને પીપર આ બધાં ઔષધ સરખા ભાગે લઈ, ખાંડીને ચૂર્ણ કરી લેવું. રોજ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ જવનાં પાણીમાં મેળવી, તેમાં થોડું દહીંનું પાણી મેળવીને પીવાથી ચરબી ઓગળીને વજન ઘટે છે.
વાકુંભા, હરતાકી,સૂંઠ અને આંબળાનો ઉપયોગ કરી ઉકાળો બનાવવો. તેમ મધ અને ખાંધ મેળવીને પીવાથી ખાંસી, શ્વાસ અને તાવમાં ફાયદો થાય છે. વાકુંભા, ચિત્રક, સૂંઠ અને ધાણાનો ઉકાળો (10-30 મિલી) પીવાથી પિતના કારણે આવતો તાવ ઓછો થાય છે.
ચોપચીની સાથે વાકુંભાનું ચૂર્ણ ખાવાથી માથાનો દુખાવો દૂર થાય છે. જો મૂળને શેકીને કપાળ પર લગાવવામાં આવે તો માથાનો દુખાવામાં તે પણ ફાયદાકારક છે. તેને ઘા પર લગાવવાથી રાહત મળે છે. વાકુંભાના ચૂર્ણનો ઉકાળો કરીને પીવાથી કંઠમાળ મટે છે. વાકુંભા પેટનો દુખાવો, આફરો તથા અજીર્ણ મટાડે છે.
મોઢાનાં ગલોફાં પર ચાંદાં પડતાં હોય, ગળામાં દુઃખાવો રહેતો હોય કે કાકડા થયા હોય ત્યારે એક ચમચી વાકુંભાનું ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવું. બીજા દિવસે ઉકાળીને અડધું થાય એટલે ઠારી, ગાળીને એ પાણી થોડીક વાર મોંમાં ભરી રાખવું અને પછી કોગળા કરવા. એનાથી રાહત મળે છે.