વછનાગની બે જાતો હોય છે. કાળો વછનાગ તથા સફેદ વછનાગ, દવા તથા બહારના કામમાં કાળા વછનાગનો ઉપયોગ થઈ શકે. વૈદ્યો વછનાગનો અનેક બનાવટમાં તેનો ઉપયોગ કરે છે. વછનાગ એક જાતની જડ છે તેનો આકાર, તથા ઉપરનો ભાગ ખરબચડો હોય છે.
વછનાગનાં ફૂલની વાસ ખૂબ જ તીવ્ર હોય છે. કોઈ પ્રાણી પણ તેની નજીક જતું નથી. આ ઝેરી દવાનો ખૂબ જ સંભાળ પૂર્વક ઉપયોગ કરવો જરૂરી બની રહે છે. વછનાગની પેદાશ હિમાલયના પ્રદેશમાં વધુ થાય છે. વછનાગ એક કંદ જાતિનું વિષ છે. જીર્ણ રોગ મટાડવા વછનાગનો ઉપયોગ થાય છે.
કળતર હોય અને શરીર બેચેન લાગતું હોય ત્યારે વછનાગને ઘીમાં ઘસીને તેનો ઘસારો ચટાડવાથી પણ કળતર ઓછુ થાય છે. આ પ્રયોગ વૈદ્યોની દેખરેખ હેઠળ કરવા હિતાવહ છે. સિદ્ધ કરેલો વછનાગ કોઢ તથા ખાંસી, દમ વગેરે માટે ફાયદાકારક છે. સંધિવા તથા સોજા ઉપર વછનાગ લીમડાના રસમાં ઘસી લેપ કરવાથી ઉત્તમ રાહત થશે. એકલો સોજો હોય તો વછનાગ, સૂંઠ, પુનર્નવાનાં મૂળો, ગૌમૂત્રમાં વાટી લેપ કરવો. આનાથી ઘણો ફાયદો થતો જણાશે.
અપચાની સમસ્યામાં પણ વછનાગ ઘણી સારી અસર કરે છે. વછનાગનો ખાવામાં ઉપયોગ કરતાં પહેલાં તેને શુદ્ધ કરવાની ખૂબ જ જરૂરત છે. વાત વ્યાધિમાં વછનાગ કામ લાગે છે. શરીરના કોઈપણ ભાગમાં કળતર સાથે આંચકા આવે, શૂળ નીકળે ત્યારે વછનાગનો ઉપયોગ થાય છે. જીર્ણ સંધિવા તથા કટિગ્રહમાં વછનાગ વપરાય છે. તે વાયુ તોડે છે.
વછનાગ તથા ચિત્રાછાલ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મૂળ, લવિંગ, મરી દરેક ૨૦-૨૦ ગ્રામ, એ તમામને વાટી તેની નાની નાની ગોળી બનાવી શકાય. આ ગોળીના ઉપયોગથી દમ તથા ઉધરસમાં ઘણી રાહત થાય છે. વછનાગ, જાવંત્રી, મરી, લવિંગ એ દરેક ચીજો ૧૦-૧૦ ગ્રામ લેવી પછી વાટી તેની નાની નાની ગોળી બનાવી આ ગોળી લેતાં દમ તથા ખાંસીમાં ઘણી રાહત થાય છે.
વછનાગ, અકલગરો એ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ સિંધવ ૨૫ ગ્રામ નાખી તેની લૂગદી બનાવી હાથપગના સોજા પર લગાડતા ઘણી રાહત થાય છે. ફરીથી સોજા ચઢતા નથી. તીક્ષ્ણ પ્રમેહમાં તેમજ સાંધાના દુખાવા, શરીરની ઉષ્ણતા ઓછી કરવા માટે નાના વજનમાં વછનાગનો ઉપયોગ કરતાં અતિ ઉત્તમ લાભ થાય છે.
વછનાગ, જાયફળ, મરી, શુદ્ધ કેસર, જાવંત્રી, લવિંગ તથા અક્કલકરો દરેક ચીજો ૧૦-૧૦ ગ્રામ લઈ ટંકણ ખાર અઢી ગ્રામ ભેળવી તેને બારીક વાટી લેવું. પછી આદુંના રસમાં ભેળવી તેની ગોળી બનાવવી, આ ગોળીના ઉપયોગથી શરદી, ઉધરસ, અજીર્ણ તથા ગળાના રોગો પર ઉત્તમ અસર કરે છે.