સુવાનો છોડ પ્રસિદ્ધ છે. તે છોડ એક દાંડી પર ટટ્ટાર રહે છે. તેની ડાળીઓ વરિયાળીની ડાળી જેવી હોય છે. તેનાં ફૂલ છત્રીવાળાં થાય છે. એની ડાળીઓ પાતળી હોય છે. પાન નાના તથા બીજ વરિયાળી કરતાં ઘણાં નાનાં પણ સહેજ પહોળાં હોય છે. સુવાનાં ૨થી ૩ ફૂટ ઊંચા છોડ ભારતમાં સર્વત્ર થાય છે. તેની ખેતી પણ ઘણી થાય છે.
સુવા લગભગ બે વર્ષ સુધી રહે છે. તાજા , ખુશ્બુદાર તથા ખીલેલા સુવા ખૂબ જ ઉત્તમ ગણાય છે. તેની સુગંધ પીપરમીન્ટ જેવી હોય છે. સ્વાદમાં તે જલદ, ગરમ તથા તીખા હોય છે. ઘણા લોકો સુવાને શેકીને મુખવાસ તરીકે વાપરે છે. સુવામાંથી એક જાતનું તેલ નીકળે છે તે દવામાં વપરાય છે. સુવા ગુણમાં પાચક, મૂત્રલ તથા વાતહર છે. તે દીપન, ધાતુવર્ધક છે. શૂળ, ઊલટી, આમ, અતિસાર, દાહ તથા તરસ મટાડે છે.
આપણે ત્યાં નાનાં બાળકોને પેટમાં દુઃખતું હોય ત્યારે સુવા વાટીને થોડાક પ્રમાણમાં પાણી સાથે પીવડાવતાં બાળકને ત્વરિત આરામ થઈ આવે છે. એનાથી વા, કફ, કૃમિ, શૂલ, કબજિયાત અને આફરો પણ મટે છે. પ્રસૂતાને એ પિવડાવવાથી ફાયદો થાય છે. સુવાનું પાણી બાળકની હેડકી તથા ઉલટી બેસાડી દે છે. ઘણા લોકો સુવાનો મુખવાસ તરીકે ઉપયોગ કરે છે.
સ્ત્રીઓમાં તે ધાવણ વધારે છે. એનાથી યોનિશૂળ પણ મટે છે. ગર્ભાશયના વિકારો મટાડવા પણ એનો ઉપયોગ થાય છે. સુવાદાણાથી પાચનશક્તિ વધે છે. એનાથી અર્શ, બરોળનો રોગ પણ મટે છે. પથરી થઈ હોય તો ત્યારે પણ સુવાદાણાના ઉપયોગથી તે મટે છે. સુવાનું પાણી પીવાથી પેશાબ સાફ ઊતરે છે. ઋતુ તથા દાસ્તાન સાફ આવે છે.
મધ સાથે સુવાદાણા પીવાથી ઊલટી બંધ થાય છે. તે પેટની ચીકાશ પણ મટાડે છે. સુવાના તાજાં તથા સુકાં પાનનો અથવા બીજનો ઉકાળો પીવાથી બાદી નાશ થાય છે. પીઠ તથા મૂત્રપિંડ અને મૂત્રાશયોનાં દર્દ મટે છે. સુવાને વાટીને મધ સાથે પકવી બંધાઈ જાય ત્યારે તેનું પેટ ઉપર બંધારણ કરવાથી સહેલાઈથી દસ્ત આવે છે. સુવાના અથવા એનાં પાનના ઉકાળામાં બેસવાથી ગર્ભની વ્યાધિ મટે છે.
સુવાદાણા ઉત્તમ વાયુનાશક ઔષધ છે. વાયુનાશક હોવાથી તે પેટનો દુખાવો, ગેસ, આફરો વગેરે પાચનતંત્રની તકલીફોમાં સારું પરિણામ આપે છે. અડધી ચમચી જેટલા સુવાદાણા દર બે-ત્રણ કલાકે ચાવીને ઉપર ગરમ પાણી પીતા રહેવાથી પેટની આ તકલીફોમાં ઘણો ફાયદો થાય છે. ઝાડામાં દુર્ગંધ આવતી હોય તેમજ પેટ ભારે લાગતું હોય એમાં પણ સુવા હિતકારી ઔષધ છે.
સુવાદાણા, અજમો, પાનની જડ, સફેદ મરી, નાગરમોથ, કુટકી, કરિયાતું, મૂળાના બીજ, ગાજરના બીજ, સૂંઠ, મરી, પીપર, અક્કલકરો, ઈન્દ્ર જવ, કુચલા, ગળો, પટોળ, અરડૂસી, ધમાસો, કળથી અને ગોળ એ સરખે ભાગે લઈ તેને ખાંડી લીધા બાદ ઉકાળો બનાવવો. આ ઉકાળો સુવાવડમાં નબળી પડે ગયેલી મહિલાને રોજ ૨૦ ગ્રામ આપવાથી તેની નબળાઈ મટે છે. શરીર પણ પાછું યથાવત થઈ જાય છે.
સુવાદાણા બુદ્ધિવર્ધક છે. રોજ સવારે એક ચમચી જેટલા સુવાનું ચૂર્ણ મધ અથવા ઘી સાથે ચાટી જવાથી થોડા દિવસમાં બુદ્ધિ તથા ગ્રહણ શક્તિ વધે છે. સુવાદાણા , દેવદાર, હિંગ અને સિંધવ એ બધી ચીજો સરખે વજને લઈ આકડાના દૂધમાં બાફી તેનો લેપ અસ્થિવા, કટિવાત કે સંધિવાત જેવા વાતવિકાર રોગ પર કરવાથી ઘણી રાહત થાય છે. સુવાનાં બીજ જઠર, શુદ્ધિ કરવા માટે ઉત્તમ છે. એટલે ભોજન કર્યા બાદ એનો મુખવાસ કરવાથી પણ ઘણો સારો લાભ થાય છે.
સુવાના બળેલાં બીજ પીવા તથા ચોપડવાથી આપણને અને અર્શને ફાયદો થાય છે. તે પેશાબની સખી મટાડે છે. તેને છાંટવાથી જખમ જલદીથી રૂઝાઈ જાય છે. સુવા સંતાન પ્રદાન પણ છે. નિઃસંતાન સ્ત્રીઓ માટે તે આશીર્વાદ સમાન છે. રોજ સવારે સુવાનું ચૂર્ણ એક ચમચી લઈ, ઘીમાં મેળવી ચાટી જવું. આ પ્રમાણે એક મહિનો ઉપચાર કરવાથી સંતાન રહિત સ્ત્રીઓને સંતાન અવતરે છે. આ ઉપચારથી વૃદ્ધોમાં યુવાનો જેવી શક્તિ આવે છે.
સુવાદાણા ૨૦ ગ્રામ, હરડે, પીપર, તજ, વરિયાળી એ દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેમાં અઢી ગ્રામ હિંગ તથા સંચળ ૩૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી અતિસાર, પેટનો ગુલ્મ રોગ યકૃત તથા પ્લીક્ષનો વ્યાધિ, કૃમિનો દુખાવો, કબજિયાત વગેરેનો નાશ થાય છે.