સરગવાનાં ફૂલ ઉપરથી એની ત્રણ જાત જણાય છે. તેમાં સફેદ, પીળો તથા રાતો. એનું ફૂલ મોટે ભાગે નાનું, ધોળું અને પીળાશ પડતું હોય છે. ફૂલ આખું થયા પછી પાતળી સીંગો નીકળે છે. તેની સીંગમાં ત્રણ બાજુવાળાં બીજ હોય છે. આપણે ત્યાં લોકો એ સીંગ, પાન તથાં ફૂલનો ખાવામાં ઉપયોગ કરે છે.
સરગવાનાં પાનની વાસ તેજ હોય છે. એની સીંગો લાંબી, લીલા રંગની હોય છે. એમાં મીઠી જાતની સીંગ ખાવામાં વપરાય છે. સરગવો ઓછા પાણીએ ઊગી નીકળે છે. સરગવામાં પુષ્કળ કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કાર્બોનેટ વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો છે, આથી જે તે રોગ ની દવાઓની સાથે સાથે સરગવાની શીંગ નું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે.
બધાં ઔષધોમાં સરગવો સૌથી સારો ગુણ ધરાવે છે. તેનાથી મોઢાના રોગ મટે છે. સરગવાનાં પાનનો રસ મધ નાખી તેનું અંજન કરવાથી નેત્રરોગ મટે છે. એનાથી દૃષ્ટિ તેજ થાય છે. એ શરીરને હલકું કરે છે. સોજો ઊતારે છે. ખાવાની રુચિ પણ વધારે છે. એ પિત્તનો વધારો કરે છે.
સરગવાની છાલનો ઉકાળો યકૃતોદર તથા પ્લીહોદરમાં પીવો ઉત્તમ છે. તેનાં મૂળની છાલ સાથે લૂણીની ભાજીનાં પાન, પીપર, કાળા મરી, સિંધવ મેળવી કવાથ બનાવી આપવાથી યકૃતોદરમાં મદદ કરે છે. તેનાં મૂળની છાલનો કવાથ ચિત્રમૂળ, સિંધાલૂણ તથા પીપર નાખી આપવાથી જલંદર તથા પેટના રોગનો નાશ થાય છે.
સરગવાના મૂળનાં સેવનથી દમ, પથરી અને કમળા જેવી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. સરગવાની છાલ ના ઉપયોગ થી વા ની સમસ્યા અને યકૃતના રોગોમાં ફાયદો મળી શકે છે. સરગવાની શીંગનો ઉપયોગ કરવાથી પેટને લગતા દરેક રોગો, આંખના રોગો, વા તથા પિત્ત માં હાશકારો મેળવી શકો છો.
સરગવાની તાજી જડનો રસ ગાયના દૂધ સાથે મેળવી પીવાથી પેશાબ બંધાઈ ગયો હોય તે છૂટે છે. મૂત્રાશયની પથરી પણ મટે છે. ખાનપાનમાં રુચિ વધે છે. એની છાલનો કાઢો પીવાથી પથરી થતી નથી. એનાં મૂળનો કાઢો પીવાથી હેડકી થતી અટકે છે.
સરગવાનાં મૂળિયાંનો રસ ખોરાક લીધા વિના લેવાથી દમની વ્યાધિમાં ઘણી રાહત થાય છે. એનાં મૂળની પોટલી બનાવી સંધિવા તથા પક્ષાઘાત વગેરે રોગ પર મૂકવાથી પણ ઘણી રાહત થાય છે. સરગવાની છાલનો રસ એકાદ ચમચો લઈ તેમાં ગાયનું ઘી નાખીને ત્રણેક દિવસ સુધી પીવડાવવાથી નાનાં બાળકોના પેટમાં ભાર રહી ગયો હોય તે મટાડે છે.
મોટાપો એટલે કે વજન ઘટાડવામાં સરગવાનું સૂપ લાભદાયી રહે છે. શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે. હાઈ-બ્લડ પ્રેશરમાં સવાર સાંજ એક નાની વાટકી સરગવાનો રસ પીવાથી ફાયદો થઈ શકે છે. શુક્રાણુની સંખ્યા વધારવા માટે તથા મહિલા ઓ માં માસિક ધર્મ ની તકલીફ દૂર કરવામાં સરગવો ઉપયોગી નીવડે છે.
સરગવો, સિંધવ, વજ, સુંઠ, પીપર, મરી, હરડે, એ દરેક ચીજો ૧૦ -૧૦ ગ્રામ લઈ બકરીના દૂધમાં તથા ઘીમાં રીતસર ધૃત સિદ્ધ કરવું. આ ધી પાંચ પાંચ ગ્રામ જેટલું આપવાથી સ્મૃતિને વધુ સતેજ બનાવે છે. એનાથી ખાધેલું બરાબર પચી. જાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
લોહીની ઉણપ દૂર કરવા સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિન ની માત્રા વધે છે, અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો શરીરની ઇમ્યુનિટી વધારે છે. જેથી કરીને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
હાડકાનો દુઃખાવો તથા કળતરમાં સરગવાનો ગુંદર ચોપડવાથી ઘણી રાહત થાય છે. સરગવાનાં બીજ, સરસવ અને કુષ્ઠ સમભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણ દર્દીને સૂંઘાડતા દર્દીને હોશ આવી જાય છે. મૂર્છા દૂર થાય છે. પેટની સમસ્યામાં સરગવાના પાન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દાંતના દુ:ખાવામાં પણ સરગવાનો ગુંદર તેલમાં મેળવી ગરમ કરી કાનમાં નાખવામાં આવતાં દાંતના દુઃખાવામાં રાહત મળે છે. એને માથામાં લગાવતા માથાનો દુઃખાવો પણ હળવો થાય છે. મરી સાથે એનાં બીજનો ભૂકો સુંઘતા શરદી મટે છે. તે કેન્સરથી બચાવવામાં સહાયક છે કેમ કે તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન હોય છે.