હિંગનો ઉપયોગ કરવાથી પેટ સંબંધી બિમારીઓ જેવી કે અપચો, આંતરડા સંબંધી રોગ, ગેસની સમસ્યાઓ દૂર રહે છે. તે સિવાય હિંગ શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ દૂર કરે છે તો આવો જોઇએ હિંગથી થતાં સ્વાસ્થ્ય સંબંધી કેટલાક ફાયદાઓ. હીંગથી સ્વાસ્થ્યને લગતી કઈ સમસ્યાઓ દૂર કરી શકાય છે.
સૌપ્રથમ જાણીશું ન્યુમોનિયાના લક્ષણો અને તેના ઉપચાર વિશે. ફેફસાંના વાયુપોટામાં બળતરા થાય છે. અશક્તિ આવે છે. અતિશય પરસેવો થવા માંડે છે. સાધારણ ખાંસી આવે છે. ધીમે ધીમે ફેફસાંમાં શરદી લાગી હોય ત્યારે આ રોગની શરૂઆત થાય છે. છાતીમાં, માથામાં, ગળામાં અને પીઠમાં અતિશય ઠંડી લાગવાથી આ રોગ થાય છે.
સંક્રામક રોગો થવાથી પણ ન્યુમોનિયા થાય છે. રોગ વધી જાય ત્યારે કોઈક વખતે દર્દી બેભાન થઈ જાય છે. હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ફેફસાંમાં સખત દુખાવો થાય છે. તો ચાલો હવે જાણીએ ન્યુમોનિયાના ઘરેલુ ઉપચાર. ટર્પેન્ટાઇન તેલમાં થોડીક હિંગ અને થોડુંક કપૂર ઉમેરી રોગીની છાતી ઉપર ધીમે ધીમે માલિશ કરવું.
તુલસીનાં તાજા દસ પંદર પાન, આદુનો એક ટુકડો બંનેને લસોટી રસ કાઢવો તેમાં બે રતીભાર હિંગ ઉમેરી મધ સાથે મેળવી દરદીને ચટાડવું. બે રતીભાર હિંગ, પાંચ કાળા મરી, વીસ જેટલા તુલસીના પાન અને દસ નંગ પીપળાના ટેટા બધાની ચટણી જેવું બનાવી મધ સાથે મેળવી દરદીને ચટાડવું.
દમ (અસ્થમા) ના લક્ષણો અને તેના ઉપચાર વિશે જાણો, અતિશય ઉધરસ આવે છે, શ્વાસ લેવામાં મુશકેલી પડે છે, શ્વાસનળીમાંથી કફ છૂટતો નથી તેથી સૂકી ખાંસી આવે છે, અતિશય ખાંસી આવવાથી શરીરે પુષ્કળ પરસેવો થાય છે, ચહેરો ફિક્કો પડી જાય છે, શ્વાસ લીધા પછી ફેફસાંમાં દર્દ થાય છે, સ્નાયુવિકારથી ફેફસાંમાં ધૂળના રજકણો જવાથી આ રોગ થાય છે.
ઠંડી અને વરસાદની ઋતુમાં રોગની તીવ્રતા વધે છે. ખાસ કરીને આધેડ કરતાં મોટી ઉંમરનાં માણસો આ રોગનો શિકાર બને છે. આ માટે પીપળાની સૂકવેલી છાલના એક ચમચી ચૂર્ણમાં એક રતીભાર હિંગ મેળવી સેવન કરવું. કાકડાસીંગ, કાયફળ અને હિંગ ત્રણેનું એક એક ચપટી ચૂર્ણ મધ સાથે મેળવી દર્દીને આપવું.
એક ચપટી મોરનાં પીછાંની ભસ્મ (રાખ) માં એક રતીભાર હિંગ મેળવી દર્દીને દરરોજ સવારે આપવું. બે ગ્રામ હિંગ, 80 ગ્રામ જૂનો ગોળ, 10 ગ્રામ રાઈ, 10 ગ્રામ દળેલી હળદર બધાને બરાબર મિક્સ કરી મધ્યમ બોર જેવડી ગોળીઓ બનાવવી, સવાર-સાંજ બે -બે ગોળીઓ દર્દીને આપવી. આ પ્રયોગથી શ્વાસ રોગ સદંતર મટે છે.
શ્વાસનળીની અંદરની ત્વચા ઉપર સોજો આવે છે. આને બ્રોંકાઇટીસ કહેવાય છે. સામાન્ય રીતે બાળકોને આ રોગ વધારે પ્રમાણમાં થાય છે. આ રોગમાં માથુ દુ:ખે છે, સાધારણ તાવ રહે છે, કપાળ અતિશય ગરમ રહે છે, શ્વાસ લેવામાં મુશકેલી પડે છે, શરૂઆતમાં સૂકી ખાંસી આવે છે, પછી ઘેરા પીળા રંગનો કફ અને ગળફા નીકળે છે, ધીમે ધીમે શ્વાસનળી અને ગળામાં ઘરર જેવો અવાજ આવવા માંડે છે.
પાણીમાં લાંબો સમય પડી રહેવાથી (પલળવાથી) ઠંડી લાગી જવાથી, વરસાદના પાણીમાં પલળવાથી અને ઝાકળના પાણીવાળી જગ્યા ઉપર સૂઈ જવાથી આ રોગ થાય છે. એક કળીનું લસણ અને એક રતીભાર હિંગની ચટણી બનાવી રોગીને ખવડાવવી (સવારે નરણા કોઠે) એક ચમચી આદુનો રસ, એક રતીભાર હિંગ અને અડધી ચમચી ચિંતામણી રસ મધ સાથે મેળવી ચટાડવું.
દસ ગ્રામ પીપળાના ટેટા, બે ગ્રામ કાચી હિંગ, દસ ગ્રામ કાથો, દસ ગ્રામ દાડમનાં ફૂલ અને એક ગ્રામ કપૂરનું ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણનું સેવન કરવું, એક ભાગ હિંગ, આઠ ભાગ હરડે, ચાર ભાગ સંચળનું ચૂર્ણ બનાવવું બે માસાની માત્રામાં આ ચૂર્ણ મધ સાથે આપવું. દર બે બે કલાકે એક એક રતીભાર હિંગ ગરમ પાણી સાથે દર્દીને આપવી.
ખાંસી અતિશય ઠંડી લાગવાથી, શ્વાસનળીમાં સોજા આવવાથી, ન્યુમોનિયા, દમ(અસ્થમા) થવાથી તેમજ યકૃતની ખરાબીને લીધે ખાંસી થાય છે. સૂકી ખાંસીમાં કફ છૂટો પડતો નથી. ખાંસીમાં કફ નીકળી ગયા પછી રાહત થાય છે. આમાં લાંબા સમય સુધી સૂકી ખાંસી આવે છે. દર્દી ખાંસી ખાંસીને બેવડ બની જાય છે. આંખમાંથી પાણી નીકળે છે.
અડધી ચપટી હિંગને દેશી ઘીમાં શેકી તેનું ચૂર્ણ બનાવી રોગીને ખવડાવવું, તરત જ આરામ થાય છે. હિંગ, લીંડીપીપર, બોર, સિંધાલૂણ, મજીઠ, અબરખ ભસ્મ અને વરિયાળીના છોડનાં મૂળ બધાં પાંચ પાંચ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. બે-બે ચપટી ચૂર્ણ સવાર-સાંજ આપવું.
સૂકી અથવા કફવાળી ખાંસીમાં એક ચમચી આદુનો રસ, એક રતીભાર હિંગ અને એક ચમચી મધ મેળવી રોગીને આપવું ઉત્તમ ગુણકારી છે, એક રતીભાર હિંગ, બે રતીભાર કપૂર, મધમાં મેળવી બરાબર ઘૂંટવું, સવાર-સાંજ તેને જીભ ઉપર મૂકી ચૂસવું.
એક ગ્રામ હિંગ, બે ગ્રામ વછ, ત્રણ ગ્રામ ચિત્રકમૂળ, ચાર ગ્રામ સૂંઠ, પાંચ ગ્રામ અજમો, છ ગ્રામ હરડે (હરતાલ) અને સાત ગ્રામ લીંડી પીંપર લઈ બધાનું ચૂર્ણ બનાવવું, બે ચપટી ચૂર્ણ દેશી ઘી સાથે આપવું, ભૂખના વેગને રોકવો હાનિકારક છે, કારણ કે તેનો સીધો સંબંધ પાચનવ્યવસ્થા અને સ્વાથ્યપ્રણાલી સાથે રહેલો છે, એના વેગને રોકવાથી શરીર કૃશ, દુર્બળ અને વાયુપ્રકોપનો ભોગ બને છે.