દક્ષિણ ભારતમાં મલબરા તરફ સૂરણ મોટા પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ સૂરણનો મોટો પાક થાય છે. આ કંદ ને ચેત્ર-વૈશાખમાં વાવવામાં આવે છે. માગશર અને પોષ, મહિનામાં તેને ખોદી લેવામાં આવે છે. ઘણીવાર સૂરણની ગાંઠ મોટી કરવા માટે ત્રણ ત્રણ વર્ષ સુધી રાખી મૂકવામાં આવે છે.
સુરણ બે જાત નું હોય છે. એક કડવું તથા ખુજલીવાળું જ્યારે બીજું મીઠું હોય છે. કડવું સૂરણ ઔષધમાં કામ લાગે છે. સંસ્કૃતમાં સૂરણને કહેવામાં આવે છે અર્શીઘ્ન એટલે અર્શનો નાશ કરનાર. એનું શાક બનાવીને લોકો ખાય છે. ખાસ કરીને નવરાત્રિ વખતે ઉપવાસ કરતા લોકો સૂરણનો ફરાળ કરે છે. સૂરણ હરસની ખાસ દવા છે, એનાં ફૂલ તથા કુમળાં પાનનું લોકો શાક પણ બનાવે છે.
સૂરણ ગુણમાં શોધક છે, તે હરસને મટાડે છે. અગ્નિ દીપક તથા રુચિકર છે, તે અર્શ, કૃમિ, ગલ્મ, શૂળ, વાયુ, મેદ, ખાંસી, ઉલટી તથા દમને મટાડે છે. સૂરણ ખાવાથી યકૃતનું કામ સુધરે છે. દસ્ત સાફ આવે છે. ભૂખ બરાબર લાગે છે. પાચન ક્રિયા ઠીક બને છે. લોહીવાળા હરસ હોય તો રક્તવાહિનીઓ સૂરણ લેવા પછી સંકોચાઈ જાય છે જેથી હરસ મટે છે, અને લોહી પડતું બંધ થઈ જાય છે.
આસો માસ દરમિયાન દર્દી એક મહિનો માત્ર એકલા સૂરણ પર જ રહે અને ઉપરથી છાશ પીએ તો હરસ જડમૂળથી નીકળી જાય છે. સૂરણ બાફીને ખાવું, ઉપર ધાણા, જીરુ, હળદર, મીઠું નાખીને ખાવાથી સારી અસર બતાડે છે. આ રીતે બનાવેલું સૂરણ પેટ ભરીને ખાવાની છૂટ છે. સૂરણનાં ઝાડ ઉપર છત્રી ની જેમ ઘણા પાન હોય છે. તેના પાનની દાંડીઓ લાંબી હોવાથી છોડ ત્રણ-ચાર ફૂટ ઊંચો દેખાય છે. તેનો પાક ફળદ્રુપ એવી રેતાળ જમીનમાં સારો થાય છે.
આંતરડાંનાં દર્દોમાં સૂરણ હિતકારક છે. વાયુના અને કફના ઉત્પન્ન થયેલા સંગ્રહણીનાં ઝાડા મટાડવા માટે એ એક ઉત્તમ ઉપાય છે. એનાથી હેડકી પણ બંધ થાય છે. ભગંદર રૂઝવવા માટે એ ઉત્તમ છે. એ બુદ્ધિમાં વધારો કરે છે. વૃદ્ધાવસ્થામાં પડતી કરચલી અટકાવી શકાય છે. સૂરણપુટ પાક, હરસ તથા મૂળ વ્યાધિને દૂર કરવા માટે કામ લાગે છે.
સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. આયુર્વેદમાં જણાવ્યાનુસાર થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ આ કંદમૂળ રામબાણ ઈલાજ છે.
સૂરણ લાવી તેના ટુકડાં બનાવી સૂકવી લેવા. આ રીતે સુકાઈ ગયેલા ટુકડાનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને ડબ્બામાં ભરી રાખી મૂકવું. એના ઉપયોગથી હરસ મટે છે. આ પ્રયોગ વખતે છાશનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. જેમનું રક્ત બગડ્યું હોય તેવા દર્દીને સૂરણ આપી શકાય નહીં કેમ કે તે દાદર, ખરજ, ખસ વગેરે રોગો થઈ શકાય છે.
સૂરણને સુંઠ સાથે વાટી એનો લેપ કરવાથી મેદજન્ય ગ્રંથિ તેમજ રસોળી પર લગાડતા રાહત થાય છે. સૂરણ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને ફાઈટ ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે જેને કારણે આ તમામ રોગોમાં સુધારો જોવા મળે છે.