સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવા અને પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી તેને પીવાથી માસિક સાફ આવે છે. પાકાં કેળા, આમળાંનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.
જીરા અને સાકરનું ચૂર્ણ ચોખાના પાણીમાં પીવાથી સ્ત્રીઓનું સ્વેતપ્રદર મટે છે. એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે. કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી. સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી લો. તેમાં ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે
માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે. ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓની હિસટીરીયા મટે છે. લસણને પીસીને નાકથી સુંધવાથી હિસ્ટીરિયાની મૂર્છા મટે છે.
ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં પલળેલો મેથીનો લોટ નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસૂતા સૂત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટથી આવે છે.
જીરાની ફાકી લેવાથી સ્ત્રીનું ધાવણ વધે છે. ધીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતા ચક્કર મટે છે. સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છુટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુખતી નથી અને ખાધેલું સારી રીતે પાચન થાય છે. તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્રાવ મટે છે.
સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે. ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ મળે છે.
લવિંગને ગરમ પાણીમાં પલાળી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીઓની ઉલટી મટે છે. ધાણાનું ચૂર્ણ પા તોલો અને સાકર એક તોલો ચોખાના પાણીમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઉલટી મટે છે. નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે. આમળાનો રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓની યોનિનો દાહ મટે છે.
તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્ત્રીને રક્તસ્ત્રાવ બંધ થાય છે. સુવાવડી સ્ત્રીને ક્યારેક ધાવણ ચડી જતાં, કોઈ વાર સ્તનને સોજો આવે છે તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઊતરી જાય છે અને પીડા મટે છે.
ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાંથી ગાળી લઈને ર00 ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખખું ઘી નાખી પ્રસવ થનાર સ્ત્રીને પાવાથી પ્રસૂતી સરળતાથી અને જલદી થાય છે. જે સ્ત્રીઓને પુરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ આવે છે. તુવેરની દાળનો સૂપ બનાવી ર થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.
સ્ત્રીઓને ઘણીવાર પ્રસૂતિમાં વિલંબ થાય છે. દર્દ જેવું ઊપડવું જોઈએ તેવું ઊપડતું નથી. તે વખતે બને તેટલો જૂનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ લઈ ૧૦૦ ગ્રામ પાણીમાં નાખી, ગરમ કરી, ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ર ગ્રામ જેટલો મેળવીને ખાવાથી જલદીથી અને સુખથી પ્રસવ થાય છે.
તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે. અર્ધી ચમચી સૂંઠનું ચૂર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના રોગ મટે છે અને ગર્ભાશય મજબૂત બને છે. રોજ સવારમાં એક લવિંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.
પાકું કેળું ધી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી સ્ત્રીઓના ગર્ભાશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે. દરરોજ ગાજરનો 100 ગ્રામ રસ પીવાથી સ્ત્રીઓને રક્તપ્રદરમાં તરત જ ફાયદો થાય છે. ગાયના તાજા છાણને કપડાથી ગાળી ૭૫ મિલી. જેટલો રસ લઈ તેમાં તેટલું જ ગાયનું દૂધ મેળવીને પિવડાવવાથી બાળક ગર્ભાશયમાં મરણ પામયું હોય તો તે બાળકને બહાર લાવવામાં ઉપયોગી થાય છે
આમળાં, હરડે, સુકો ફુદીનો, પીપરીમૂળ, સૂંઠ, મેથી દસ ગ્રામ, મીઠું પાંચ ગ્રામ લઈ બધાંને સાથે વાટી, ચૂર્ણ બનાવી, તેમાં ૧૦ ગ્રામ ગુગળ મેળવી, લસણના રસમાં પાંચ પાંચ ગ્રામની ગોળીઓ બનાવી, પાણી સાથે લેવાથી પ્રસૂતિ બાદ સ્ત્રીઓને થતો કમરની નીચેના ભાગનો દુખાવો ઓછો થાય છે.