અત્યારે પણ ૮૦-૯૦ વર્ષેય કડેધડે સ્વાસ્થ્ય ધરાવતા વડીલોને પૂછીશું કે તમારા સ્વાસ્થ્યનું રાઝ શું? તો કદાચ ૫૦ ટકા પાસેથી જવાબ મળશે સુદર્શન ચૂર્ણ. નવી પેઢીને હજી આ કડવા ચૂર્ણના મીઠા ગુણ સમજાયા નથી એટલે તેનો વપરાશ સાવ ઘટી ગયો છે. કોઈ વડીલ સુદર્શનની ફાકી લેવાની સલાહ આપે તોય ન છૂટકે ક્યારેક લે છે.
મોટા ભાગના લોકો હવે સુદર્શન ચૂર્ણ એટલે તાવની દવા એવો સંકુચિત અર્થ જ સમજે છે, પણ એવું નથી. હકીકતમાં એ ઓવરઑલ સ્વાસ્થ્ય માટેનું ટૉનિક પણ છે. ભાદરવો અને આસો મહિનામાં શરીરમાં ઝીણો-ઝીણો તાવ વારંવાર આવવો, મલેરિયા થવો, તાવને કારણે શરીરમાં કળતર થવી જેવી તકલીફો ખૂબ જ કૉમન છે. આ સમયની જ્વરની તકલીફોમાં સુદર્શન ચૂર્ણ ઉત્તમ બની રહે.
ઍલોપથીની ગોળીથી ઝટપટ તાવ ઉતારી દેવાની આદત આપણને પડી ગઈ છે, પણ ખરેખર એનાથી શરીરનું ટેમ્પરેચર જ ઓછું થાય છે, પરંતુ શરીરમાં તાવ પેદા કરનારાં કારણોનો નાશ નથી થતો. ભગવાન શ્રીકૃષ્ણનું વિશિષ્ટ આયુધ સુદર્શન ચક્ર જેમ દુષ્ટોના સંહાર માટે સમર્થ છે એમ આ ચૂર્ણ પણ અનેક રોગોના નાશ માટે એટલું જ અસરકારક છે. તાવ ઉપરાંત પાંડુ, કમળો, હૃદયરોગ, ડાયાબિટીઝ, લોહીના વિકારો, ચક્કર જેવી તકલીફો માટે પણ સુદર્શન ચૂર્ણ ખૂબ ઉપકારક છે.
ઝીણા અને જૂના વિષમજ્વર માટે સુદર્શન જેવું અક્સીર બીજું કોઈ નહીં હોય. કદાચ ખૂબ હાઇ ગ્રેડ ફીવર ચડ્યો હોય ત્યારે તાવ ઉતારવા માટે એ ભલે કદાચ આ ચૂર્ણ કામ ન આપે, પણ એ જ્વરને શરીરમાંથી જડમૂળથી કાયમ માટે વિદાય આપવા સક્ષમ છે.
ચાતુર્માસ દરમ્યાન રોજ સવારે અને સાંજે એક-એક ચમચી સુદર્શન ચૂર્ણ રોજ લેવાથી ટાઢિયો તાવ એટલે કે મલેરિયા, કમળો અને ચામડીના રોગોથી પ્રોટેક્શન મળે છે. આ સુદર્શન ચૂર્ણ છે શું? આ કોઈ એકલ-દોકલ વનસ્પતિ નથી, પણ પૂરાં ૫૪ ઔષધદ્રવ્યોના મિશ્રણથી બનેલી અદ્વિતીય આયુર્વેદિક ઔષધ છે. એક-એકથી ચડિયાતાં કાષ્ટ તેમ જ રસ ઔષધો એમાં ભેગાં કરવામાં આવે છે. એમાં મુખ્ય ભાગ કરિયાતુંનો હોય છે.
કરિયાતા કરતાં ચડિયાતું તાવનું ઔષધ આયુર્વેદમાં બીજું કોઈ નથી એવું કહેવાય છે. લોકોને સુદર્શન ચૂર્ણ કડવું લાગે છે એટલે લેવાનું ભાવતું નથી, પણ હકીકતમાં આ જ કડવાશને કારણે તે વિષમજ્વર, પિત્તજ્વર કે ર્જીણજ્વર જેવા તમામ પ્રકારના તાવને દૂર ભગાડે છે. સુદર્શન ચૂર્ણની સાથે હવે તો બજારમાં ટીકડીઓ પણ તૈયાર મળે છે. ટીકડીઓ ગળવામાં સરળ લાગે, પણ ચૂર્ણ જેટલી અસરકારક નથી હોતી.
બીજું, આયુર્વેદમાં કોઈ પણ કાષ્ટ ઔષધ હોય એ જેમ-જેમ જૂનું થતું જાય એમ એની અસરકારકતા ઘટતી જાય છે. એટલે સુદર્શન ચૂર્ણમાં વપરાયેલાં કાષ્ટ ઔષધો ફ્રેશ હોય એ જરૂરી છે. બજારમાં મળતા બ્રૅન્ડેડ ચૂર્ણમાં મોટા ભાગે પૂરેપૂરાં ૫૪ દ્રવ્યો નથી હોતાં. જો તૈયાર ચૂર્ણ લાવવું હોય તો એ દવા વધુમાં વધુ બે મહિના પહેલાં બની હોય એ જરૂરી છે અને ત્રણ મહિના જૂનું થાય એ પહેલાં ચૂર્ણ વાપરી લેવું જોઈએ. નહીંતર એની અસરકારકતા ઘટી જાય છે.
સુદર્શન નામનું આ ચૂર્ણ ત્રણેય દોષને મટાડે છે અને સધળા જવરોને પણ અવશ્ય મટાડે છે , એમાં વિચારવા જેવું નથી , દોષોથી થયેલા કે લાગવું વગેરેથી થયેલા તાવ , ધાતુઓમાં રહેલા વિષમ જવરો ,સન્નીપાતથી થયેલા જવરો , મનની પીડા સબંધી જવરો , શીત આદિ, દાહ આદિ , પ્રમેહ , ધેન ,ભ્રમ , તરસ , ઉધરસ , શ્વાસ , પાંડુરોગ , હદયના રોગ , કમળો, કેડના પાસલા ભાગનું શુળ, પીઠનું શુળ , ગોઠણનું શુળ , અને પડખાનું શુળ પણ મટાડે છે.
સધળા પ્રકારના તાવને મટાડવા આ ચૂર્ણને ટાઢા પાણી સાથે પીવું , જેમ વિષ્ણુનું સુદર્શન ચક્ર દાનવનો નાશ કરે છે , તેમ આ સુદર્શન ચૂર્ણ સધળા પ્રકારના તાવનો નાશ કરે છે. સુદર્શન ચુર્ણમાં મુખ્ય કરીયાતુ અને કડુ ઉપરાંત ગળો, લીમડાની અંતર્છાલ, ભોંયરીંગણી, પીત્તપાપડો, મોથ, કાળો વાળો, વાવડીંગ વગેરે કડવાં દ્રવ્યો હોય છે.
તાવ આવવાનું કારણ પીત્તનો પ્રકોપ છે. કરીયાતુ તાવ માટેનું ઉત્તમ દ્રવ્ય છે. એની સાથે કડુ હોય તો ગમે તેવા તાવને મટાડી દે છે. કડુ આંતરડામાં બાઝેલા કાચા મળને કારણે થયેલી કબજીયાત દુર કરે છે. જેને કારણે તાવ ઉતારવામાં સહાયતા થાય છે. ત્રીફલા, હળદર, સુંઠ, મરી પીપર, ગંઠોડા, જેઠીમધ, અજમો, ઈંદ્રજવ, ચીત્રકમુળ વગેરે દીપન, પાચન અને પીત્તઘ્ન ઔષધો સુદર્શન ચુર્ણમાં હોય છે.
લઘુસુદર્શન ચુર્ણમાં ગળો, પીપર, હરડે, ગંઠોડા, સફેદ ચંદન, કડુ, લીમડાની અંતરછાલ, સુંઠ અને લવીંગ સરખા પ્રમાણમાં અને એ બધાં કરતાં અડધું કરીયાતુ હોય છે. તાવમાં આ ચુર્ણ બેથી ત્રણ ગ્રામ દીવસમાં ત્રણ વાર લેવું. જો એના અતીશય કડવા સ્વાદને લીધે લેવાનું ફાવતું ન હોય તો રાતે ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ ચુર્ણ નાખી ઢાંકી રાખવું. સવારે ગાળીને પી જવું. અથવા તરત જ ઉપયોગ કરવો હોય તો એક ગ્લાસમાં ૫ ગ્રામ ચુર્ણ લઈ ૧૦૦ ગ્રામ ઉકળતું પાણી રેડી ઢાંકી દેવું. પાણી સહેજ ઠંડું પડે એટલે ગાળીને પી જવું.