ગુજરાતીમાં જેને મીંઢી આવળ કહીએ એ સોનામુખી. આ ખાસ કરીને વસંત ઋતુમાં થાય છે. તેનાં પાંદડાં પાતળા તથા મેંદીનાં પાંદડાં જેવાં થાય છે તથા કુમળાં પણ હોય છે. તેનાં ફૂલ આસમાની રંગના છે. બીજી જાતના સોનામુખીનાં પાંદડાં વધારે પહોળાં થાય છે. ફૂલ પીળા રંગના થાય છે.
શિયાળાની મોસમમાં તે નીપજે છે. તેનાં પાન લીલાં હોય છે. ત્યારે ઉપયોગમાં લેવાય છે પણ પીળાં કાળા રંગના થઈ બગડી જાય છે. ત્યારે વપરાતા નથી. તેનું અસ્તિત્ત્વ સાત વર્ષ સુધી રહે છે. એ સ્વાદે તૂરી તથા કડવાશવાળી હોય છે. સોનામુખી ગુણમાં ઉદરરોગ અને રક્તવિકાર મટાડનાર છે. એ શોધક તથા કૃમિઘ્ન અને રેચક છે. એ ચામડીના દોષને હરનાર છે.
સોનામુખીથી આધાશીશી, ઘેલછા, માથાનું દર્દ, પાંસળીનું દર્દ, દમનો દુખાવો, આફરો, નજલો, ખસ, ખૂજલી, કોલ્લા, જૂ તથા કૃમિ અને વાનાં દર્દ મટે છે. જીર્ણજવરમાં શરીર તપ્યા કરે છે તથા તાવ આવતો હોય તેવા વખતે તેનો ઉપયોગ ખાંડ સાથે કરવાથી તે દોષનો નાશ થાય છે. તેનાથી મગજની ગરમી દૂર થાય છે.
જે વ્યાધિ પિત્તના પ્રકોપથી થયા હોય જેવા કે સંધિવા, જીર્ણ કટિગ્રહ, શરીરમાં બેચેની, અજીર્ણ તથા પેટનું કઠણ રહેવું એ દૂર કરવા માટે સોનામુખીનાં પાનને ડાખળીથી જુદા પાડી તેના પાંદડાં ત્રણ રાત સુધી ગૌમૂત્રમાં પલાળી પછી સૂકવી ચૂર્ણ બનાવી વાપરવામાં આવે છે. સોનામુખી બે મીસકોલ, ગુલેચુર્ણ એક દીરમ, તાજું દૂધ તથા સાકર દરેક અડધો શેર સાથે મેળવી આપવાથી કમરનું દર્દ દૂર થાય છે.
સોનામુખીનાં પાન દૂધમાં બાફી આંખ ઉપર બાંધવાથી આંખ દુખતી બંધ થાય છે. એનાં ફૂલ વાપરવાથી શરીરનો રંગ સોના જેવો થાય છે. પ્રમેહ મટે છે. તેની કુણી સીંગો કૃમિ દૂર કરે છે. તેમજ પ્રમેહને ફાયદો કરે છે. પ્રમેહ તથા મધુપ્રમેહ તથા મૂળ ધાતુના રોગ ઉપર તેના બી પણ ઘણા ફાયદાવાળા છે.
સોનામુખી પાંચ તોલા, સુંઠ, પીપર, મરી, હરડે, દ્રાક્ષ, સિંધવ, સંચળ, જવખાર, વજ, અજમો, હિંગ, તજ, બાદીઆન, દેવદાર દરેક એક તોલો લઈ તમામનું ચૂર્ણ બનાવી ખાટા દાડમના રસમાં એક વાલની ગોળી બનાવી સૂકવી ચારથી પાંચ ગોળી લેવાથી પેટનો દુઃખાવો મટે છે તથા ચૂંક, ઓડકાર, આફરો વગેરે દૂર થાય છે.
સોનામુખી, ગુલકંદ દરેક અઢી તોલા સુવા, આલુ તથા સિંધવ દરેક બે તોલા, આમલી દોઢ તોલા લઈ તેને ખાંડી ચૂર્ણ બનાવી તેને મધ સાકરમાં પાક બનાવી, આ પાક અડધાથી એક તોલા જેટલો લઈ વરિયાળી અને ગુલાબ જળનાં પાણી સાથે આપવાથી ખુલાસે ઝાડો સાફ લાવી શરીરને કૌવત આપે છે. નબળી તબિયતના માણસ તથા બાળકો માટે આ પાક જુલાબ તરીકે ઘણો સારો છે.
સોનામુખી, સૂંઠ, હરડેદળ, વડાગરૂ મીઠું દરેક સરખે વજને લઈ ચૂર્ણ તૈયાર કરી એક તોલા જેટલું લઈ ગરમ પાણી સાથે પીવાથી તે વાત, કફ,ને પિત્તનો નાશ કરે છે. એ જઠરાગ્નિ દીપાવે છે. પેટનાં દર્દો દૂર કરે છે તથા ચૂંક, વાયુ તથા કૃમિનો નાશ કરે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.