સિંદૂર એટલે નારંગી રંગનો ચમકતો પાઉડર. એવી માન્યતા છે કે વિવાહિત સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર માટે પોતાની માંગમાં સિંદૂર લગાવે છે. આ ઉપરાંત સિંદૂર લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. સિંદૂરનો ઉપયોગ પૂજા પાઠ કરવા માટે પણ થાય છે. વગર સિંદૂરે પૂજા અધૂરી ગણવામાં આવે છે. આ ઉપરાંત સિંદૂરનો બીજો પણ કેટલોક ઉપયોગ છે જે તમારા જીવનમાં ઉપયોગી સાબિત થશે.
શું તમે ક્યારે જાણવાની કોશિશ કરી છે કે, લગ્ન થઇ ગયા પછી મહિલાઓ કેમ તેમની માંગમાં સિંદૂર ભરે છે. સિંદૂર માત્ર સુંદરતા વધારવા માટે તેમજ લગ્ન કર્યા છે તે બાબતને પૂરવાર કરવા માટે જ લગાવવામાં આવતું નથી. તમને જણાવી દઇએ કે, સિંદૂર લગાવવા પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો છે.
સિંદૂરનો લાલ રંગ લોહી અને આગનું પ્રતિક હોય છે અને તે માથાની વચ્ચો-વચ્ચ લગાવવામાં આવે છે જ્યાં શરીરની મુખ્ય નસો સ્થિત હોય છે. જેને કારણે શરીરના ચક્રો સક્રિય થઇ જાય છે અને શરીરમાં પોઝિટિવિટીનો સંચાર થાય છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે, જો તમે દરરોજ સિંદૂર લગાવો છો તો તેનાથી નેગેટિવ એનર્જી બહાર ફેંકાઇ જાય છે.
એક અહેવાલ અનુસાર બહારના સિંદૂરમાં લેડ ઓક્સાઇડ, સિન્થેટિક ડાઇ અને સલ્ફેટ હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, સિન્થેટિક ડાઇથી વાળ ખરવા લાગે છે, લેડ ઓક્સાઇડથી સ્કિન પર બળતરા થવા લાગે છે અને સલ્ફેટથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આમ, જો તમે પ્રેગનન્ટ વુમન છો તો આ પ્રકારના કેમિકલવાળા સિંદૂર લગાવવાથી તમારે બચવું જોઇએ કારણકે તેનાથી બાળકને પણ નુકશાન થઇ શકે છે. આમ, જો તમે તમારી સ્કિન તેમજ હેલ્થને કેમિકલવાળુ સિંદૂર લગાવીને ખરાબ કરવા ના ઇચ્છતા હોવ તો તમારે ઘરે જ સિંદૂર બનાવવું જોઇએ. ઘરે બનાવેલું સિંદૂર નેચરલ હોય છે જે સ્કિનને નુકશાન નથી કરતું પણ ફાયદા કરે છે. તો જાણી લો તમે પણ ઘરે સિંદૂર કેવી રીતે બનાવશો.
સામગ્રી
2 ચમચી હળદર,
1 ચમચી ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોકસાઇડ,
એક ટી સ્પૂન ગુલાબની પાંદડીઓની પેસ્ટ.
સિંદૂર બનાવવાની રીત
સૌ પ્રથમ મોટા વાસણમાં એક ચમચી ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઇને હળદરમાં મિક્સ કરી લો.
ત્યારબાદ ઘરે ગુલાબની પાંદડીઓમાંથી પેસ્ટ બનાવો અને પછી તેમાં એડ કરો.
હવે આ મિશ્રણને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી બધી સામગ્રી એકબીજામાં સરખી રીતે મિક્સ થઇ જાય. જેમ-જેમ આ મિશ્રણ મિક્સ થશે તેમ તમે જોઇ શકશો કે, નારંગી કલરમાંથી લાલ રંગ થઇ જશે.હવે લાલ રંગને વધુ ઘટ્ટ કરવા માટે તેમાં તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું પ્રમાણ થોડુ વધારી શકો છો. પેસ્ટને નરમ રાખવા માટે તેમાં ગુલાબજળ મિક્સ કરી લો.
આમ, ઘરે તૈયાર કરેલા આ સિંદૂરથી તમને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહિં થાય. પરંતું આ સિંદૂર બનાવતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન એ રાખવું પડશે કે જો એમાં તમારાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું પ્રમાણ થોડુ વધારે પડી જશે તો તેનાથી તમને સ્કિન ઇન્ફેક્શન પણ થઇ શકે છે. માટે જ્યારે તમે ઘરે સિંદૂર બનાવો છો તો તેને પહેલા કાનની પાછળના ભાગમાં લગાવો અને જુઓ કે તેનાથી તમને બીજી કોઇ સાઇડ ઇફેક્ટ તો નથી થઇ ને. જો તમને બળતરા કે પછી સ્કિન એલર્જી થવા લાગે તો તે ભાગ તરત જ ધોઇ લો. આ પ્રોસેસ કર્યા પછી પણ જો તમને રાહત ના થાય તો કોઇ પણ પ્રકારનું રિસ્ક ના લેશો અને તરત જ સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લો.