કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી રહે છે. એમાં પણ શિયાળામાં શરદી-ખાંસી અને ઉધરસ ની સમસ્યા વધારે રહે છે. આ રોગ માં દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો સારા પરિણામ મળી શકે છે. તો ચાલો જણાવીએ ઉધરસ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો.
નવશેકા પાણીમાં મીઠું અને બે લવીંગનું ચૂર્ણ નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ગળામાંથી કફ નીકળી જઇ ખાંસી મટે છે. મીઠું અને લવીંગ બંને જંતુ નાશક છે. ૨-૩ દિવસ આ ઉપાય કરવાથી ભારે ખાંસીમાં રાહત થાય છે.
નવશેકું ગરમ પાણી જ પીવું, સ્નાન પણ નવશેકા પાણીથી કરવું. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય તે માટે જ્યારે પણ ગળામાં કફ આવે કે તરત થૂકતા રહેવું(આળસ કરવી નહીં). વધારે ખાટા, ચિકાસવાળા, ગળ્યા, તેલવાળાં પદાર્થોનું સેવન ન કરવું. ઠંડી હવા અને ઠંડા તથા ઠંડી પ્રકૃત્તિવાળાં પદાર્થોનું સેવન પણ ન કરવું.
દર ચારેક કલાકે બબ્બે ત્રણ-ત્રણ લવીંગ મોંમાં રાખી ચૂસતા રહેવાથી ગમે તેવી ખાંસી-સૂકી, ભીનીં કે કફ યુક્ત થોડા દિવસોમાં મટી જાય છે. તુલસીના 8-10 તાજા પાન ખૂબ ચાવીને દરરોજ સવાર, બપોર, સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબૂમાં આવી જાય છે. પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે.
એક નાની એલચી લેવી. તેને તવી પર બાળી, કોયલો કરી, ઘૂમોડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ચૂર્ણ ઘી તથા મધ સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે. 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી સૂકી ઉધરસમાં ફેર પડે છે.
મરીના બારીક પાઉડરમાં થોડા ગોળ મેળવી સાધારણ કદના ગોળીઓ બનાવવી. દર બે કલાકે આ ગોળી ચૂસ્તા રહેવાથી કોઇપણ પ્રકારની ખાંસી મટે છે. નાના બાળકોને પણ આ આપી શકાય.
દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી જડમુડથી મટે છે. નાના બાળકોમાં તો મૂઠ્ઠીભર સેકેલા ચણા ખાઇ, ઉપર આ પ્રયોગ ખરેખર આર્શિવાદ રુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાસે અને ખાસી મટી જશે.