નગોડ નું વૃક્ષ ઘણું પ્રસિદ્ધ છે. તેનાં પાન બાફ-વરાળ લેવાનાં કામમાં બહુ વપરાય છે. માથું, હાથ, પગ, પીઠ, સાંધાનાં દુઃખાવામાં તેનાં પાન બાંધવામાં આવે છે. નગોડનાં આવા અનેક ઘરગથ્થુ ઉપચારોને કારણે જ તે પ્રસિદ્ધ છે. આયુર્વેદમાં નગોડની ગણના વાયુનાં મુખ્ય ઔષધોમાં થાય છે.
વાયુનાં રોગોમાં નગોડ ઘણી ઉપયોગી છે. તો ચાલો આપણે નદીકિનારાની આસપાસ ખાસ જોવા મળતાં આ આયુર્વેદિક ઔષધનાં ઉપયોગો વિશે થોડું જાણીએ. નગોડ અત્યંત વાતહારક છે. નગોડનો બાફ વાતરોગમાં ફાયદો કરે છે. નગોડનાં પાન એક માટલામાં નાખી તેને અગ્નિ પર મૂકી માટલું લાલ થાય ત્યાં સુધી રાખવાં પછી માટલું ઉતારી, તેમાંથી પાન કાઢી વાતવાળા ભાગ પર જેટલું સહન થાય તેટલો શેક કરવો.
આમ કરવાથી વાત ઓછો થઈ દુખાવો બંધ થાય છે. સોજા પર નગોડના પાલાને વાટીને ગરમ કરી બાંધવાથી સોજો ઊતરે છે. દુખાવો મટ્યા પછી સ્નાન કરવાનો સમય આવે ત્યારે નગોડના પાલાનો ઉપયોગ કરી સ્નાન કરવાથી રાહત મળે છે. નગોડનાં મૂળ શક્તિ લાવવા માટે અપાય છે.
આંખે ખીલ થયા હોય તો એક માટલામાં નગોડનાં પાન ૧ મૂઠી નાખી તેને પાણીથી ભરી દેવું અને ચૂલા પર મૂકવું. ખૂબ ઊકળે એટલે માટલા પર કપડું બાંધી તેનો બાફ લેવાથી આંખ સારી થાય છે, અને ખીલ મટે છે. ગરમી ઓછી થયા પછી અથવા ખૂબ ગરમી આવવાની હોય તેની પહેલા દિવસમાં એક વાર સહન થાય એટલો દસેક મિનિટ સુધી બાફ લેવો અને પછી આંખોને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવી. આમ કરવાથી ખીલમાં ફાયદો થાય છે.
જ્યારે આખું શરીર દર્દ કરતું હોય તેવો તાવ આવે, શરીરે કળતર થતું હોય, થોડી ખાંસી આવતી હોય અને ઊંધ ન આવતી હોય એવો, જેને અંગ્રેજીમાં ડેંગ્યુ કહે છે. તે તાવ નગોડના પાનનો બાફ દિવસમાં બે વખત પાંચ-સાત દિવસ સરખો લેવાથી એકદમ ઊતરી જાય છે.
નગોડનું તેલ વાયુથી દુખતા ભાગને ચોળવાથી સારું થાય છે. તે તેલ આ મુજબ કરવું. નગોડના પાનથી ચાર ગણું સરસવનું તેલ લેવું અને તેલથી ચાર ગણું દહીંનું પાણી નાખવું અને ધીમા તાપ ઉપર પાણી બળી જાય ત્યાં સુધી ખૂબ ઉકાળવું અને તેલ તૈયાર કરવું.
પ્રસૂતિ પછીનો મોટા ભાગે ગર્ભાશયમાં સોજો ચઢવાથી આવે છે. નગોડનો રસ કે ઉકાળો ગર્ભાશયનાં સોજામાં ઘણું સારું કામ કરે છે. નગોડના સેવનથી ગર્ભાશયનો સોજો ઉતરી, ગર્ભાશય સંકોચાઈને દૂષિત રક્તને બહાર કાઢી દે છે. નગોડ કફ અને તાવનાશક હોવાથી તેનાં પાનનો ઉકાળો કરી તેમાં સહેજ મરીનું ચૂર્ણ નાંખી સવાર-સાંજ પીવાથી કફ એટલે કે શરદીનો તાવ મટે છે.
કમર, ગરદન, સાંધા વગેરેના દુઃખાવામાં નગોડ, સૂંઠ અને લસણની કળીઓ સરખા ભાગે લઈ તેનો ઉકાળો કરી લેવો. સવાર-સાંજ આ ઉકાળો સંધિવામાં પીવાથી દુખાવામાં સારો ફાયદો થાય છે. નગોડના પાન માસિક લાવનાર, બળપ્રદ, રસાયન, કેશ અને આંખો માટે હિતકારી, આંખોનું તેજ વધારનાર, સ્મૃતિશક્તિ વધારનાર, વેદનાશામક તથા યકૃત ઉત્તેજક છે.
કમરનો દુઃખાવો, સાંધાનો સોજો તથા દુખાવો, માસિકનો અટકાવ, અરુચિ, તાવ, કંઠરોગ, શરદી, ઉધરસ, મેદરોગ તથા બધા જ પ્રકારનાં સોજા અને દુખાવાને મટાડનાર છે. નાના બાળકને કૃમિ હોય તો એને નગોડના રસમાં મધ મેળવીને એકાદ બે ચમચી પાઈ શકાય.
કાનમાં પરું થયું હોય, દુર્ગંધ મારતી હોય કે કાનમાં બહેરાશ થઈ હોય તો સો ગ્રામ તલનું તેલ કે સરસિયાના તેલમાં ચારસો મિલી ગ્રામ નગોડના પાનનો રસ, સિંધવ, લીમડાના પાનનો રસ અને જૂનો ગોળ મેળવી બનાવેલું તેલ કાનમાં નાખવાથી કાનની તકલીફ દૂર થાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.