લગ્ન એ એક એવું બંધન છે, જે ખૂબ પવિત્ર અને નાજુક દોરથી બંધાયેલું છે. કેટલીકવાર આ સંબંધમાં નાની નાની ભૂલ અને બેદરકારી પણ ખૂબ જ ભારે પડતી હોય છે. જો કે, કેટલાક લોકો તેમના લગ્ન જીવન ને પરફેક્ટ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે, તેમ છતાં તેઓ તેમના લગ્નજીવનમાં સુખ અને સંતુલનની અભાવ રહે છે. હવે તેવું એટલે છે કારણ કે બધું પૈસા દ્વારા ખરીદી શકાતું નથી, ખાસ કરીને જ્યારે તે પવિત્ર સંબંધ હોય છે.
બે વિજાતિય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા. એનાથી પ્રેમ પ્રગટે, આત્મિયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરૂં લગ્ન. પોતાનો જીવનસાથી બધી રીતે આદર્શ હોય તે અપેક્ષા વધુ પડતી છે. સંસારમાં દરેક જણ આપણી અપેક્ષાઓમાં ખરાં ઉતરે તે જરૂરી નથી.જીવનમાં કરકસર પણ જરૂરી છે.અને સંતોષ થી મોટું કોઈ ધન નથી.ગૃહસ્થીમાં નશો કે વ્યસન ને કોઈ સ્થાન ન હોવું જોઈએ.કારણકે એ વ્યાસન જીવનને બરબાદ કરી શકે છે. બંને વ્યક્તિઓએ પોત પોતાના અહમને કોરાણે મુકવો જોઈએ. પોતાની જાતને દરેક સ્થિતિમાં સાચું માનવું અને પોતાના જીવનસાથીને પોતાનાં પ્રમાણે ઢાળવો એ સુખી સંસારમાં દુખોનું કારણ બની શકે છે.દરેક વ્યક્તિ એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે એટલે બળજબરી થી કોઈ પાસે તમારી વાતને મનાવવી એ જુલમ કહેવાય.
ભારતીય સનતાન હિંદુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદભૂત છે. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને સોળ સંસ્કારો આપવામાં આવે છે. અને આ સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર.
લગ્ન એટલે માત્ર બંધન જ નહી પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન. લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું જ નહી પરંતુ બે આત્માઓનું મીલન. સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે એટલે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી, પરંતુ સંધાય છે. લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી, પરંતુ તેના ઘરની ગૃહ લક્ષ્મી હોય છે.
પ્રથમ વચન: પ્રથમ વચનમાં કન્યા આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે હે પતિદેવ ગત જન્મમાં મેં કરેલા અસંખ્ય પુણ્યોને કારણે મને તમે આજન્મમાં પતિના રૂપમાં પ્રાપ્ત થયા છો. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્વ ગણે છે અને આ સૌભાગ્યના પ્રતીક પોતાના કપાળે ચાંલ્લો કરવાનું શરૂ કરે છે.
બીજું વચનઃ સપ્તપદીના બીજા વચનમાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્ધ સાધન સંપન્નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. સાથે જ તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે.
ત્રીજું વચનઃ ત્રીજા વચનમાં કન્યા તેના પતિની આમન્યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે. પત્ની પતીને વચન આપે છે કે હું હંમેશા આપશ્રીને ભાવે તે પ્રકારનું ભોજન અને વ્યંજનો આપને બનાવી આપીશ.
ચોથું વચનઃ ચોથા વચનમાં પત્ની વધુ સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચાર-વાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્વચ્છતા શણગાર-શૃંગાર વગેરે સ્ત્રીના વ્યક્તિત્વને ભવ્યતા બક્ષે છે. આથી સ્ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.
પાચમું વચનઃ પાંચમાં વચનમાં કન્યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.
છઠ્ઠુ વચનઃ સપ્તપદીના છઠ્ઠા વચનમાં પત્ની તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.
સાતમું વચનઃ સાતમા વચનમાં કન્યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય અને સાથે જ ધાર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે. આમ,સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે.
લગ્નજીવનમાં કેટલાક શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે બોલીને સંબંધમાં મીઠાશનું સંતુલન રાખે છે.
મને માફ કરો,હવે આવું નહી થાય. તમારા સાથી જે તમારા માટે કરે છે તેના માટે તેને આભાર આપવાનું ભૂલશો નહીં. તમે આ કરી શકો છો. હું જ ખોટો હતો. તમે સાચા છો. હું તમારો વિશ્વાસ કરું છું. તમે ખુબ રમૂજી છો!. તમે સારા પિતા કે માતા સાબિત થશો. તમે મારા આત્મા છો. હું હંમેશાં તમારી સાથે છું. હું ખુબ જ નસીબદાર છું કે તમે મને મળ્યા. આગળ થી આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તમારો દિવસ કેવો હતો?. તમે આના વિશે શું વિચારો છો?. તમે નિરર્થક છો. ‘હું તારા વિશે જ વિચારતો હતો’, પત્નીઓને આ ખુબ જ ગમે છે. તેના વિના તમે તે મેળવી શક્યા નહીં. તમે ખુબ જ સારા છો. હું તમારા વગર નહી રહી શકું. મારે આ વસ્તુ સમજવી પડશે.