આ વૃક્ષ સર્વોપયોગી એવી દિવ્ય વનસ્પતિ છે. ખાખરાનાં પાન, ફૂલ, ફળ, મૂળ અને ચીર આ બધાનો ઔષધમાં ઉપયોગ થાય છે. પલાશબીજ ને ખાખરાના બી કહે છે. કૃમિ રોગ માં ખાસ એનો ઉપયોગ થાય છે. ખાખરાનાં સારા બી ડૂબે એટલા ગરમ પાણીમાં એક રાત્રિ પલાળી રાખવાં.
સવારે કાઢીને ગળી નાખી તેની ઉપરની છાલ-ફોતરી કાઢીને પછી તડકામાં સૂકવી ભેજ અને ભીનાશ નીકળી જાય એટલે તેને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણ ૧ ગ્રામ જેટલું દિવસમાં ત્રણ વાર ઉપરા ઉપરી ત્રણ દિવસ સુધી લેવું. આનાથી ત્રણ દિવસમાં કૃમિ દૂર થાય છે. આવી રીતે ખાખરાનાં બી ખાવાથી તરત જ કૃમિ બહાર નીકળી આવે છે.
ખાખરાનાં બી લીંબુના રસમાં ઘૂંટી તેને ધાધર, ખંજવાળ,ખરાજવું વગેરે પર લગાડવાથી ફાયદો થાય છે. ખાખરાનાં ફૂલ એટલે કેસૂડા ખૂબ જ ઉપયોગી છે. એનું વસ્ત્રગાળ ચૂર્ણ ૩ ગ્રામ દૂધને ખડીસાકર સાથે પીવાથી પેશાબ સાફ થાય છે અને પેશાબના બધા રોગ સારા થાય છે.
ખાખરાનાં ફૂલ એટલે કે કેસૂડાંનું ચૂર્ણ, દૂધ, ખડીસાકર સાથે પીવાથી જીર્ણજ્વર, અંગમાં રહેતી તોડ વગેરે જેવા રોગ સારા થાય છે. જ્યારે પેશાબ અટકી ગયો હોય છે ત્યારે કેસૂડાંનાં ફૂલનો પેટ ઉપર શેક કરવાથી પેશાબની છૂટ થાય છે.
છાતીમાં થઈ ગયેલો કફ દૂર કરવા માટે કેસૂડાંનાં ફૂલનો છાતી પર શેક કરવાથી કફ છૂટો પડે છે. રાઈ એટલે સરસવનું તેલ કફવાળા માણસને છાતી પર સારી રીતે ચોળીને તેના પર બાફેલાં કેસૂડાંનાં ફૂલનો શેક આપવાથી કફ પાતળો થાય છે.
કેસુડાના ૫ થી ૭ ફૂલને આખી રાત ઠંડા પાણીમાં પલાળો. સવારના સમયે તેને પાણીમાંથી કાઢી નાખો અને પાણીને ગાળીને તેમાં થોડી સાકર ભેળવીને પીવથી નકસીર માં લાભ મળે છે. કેસુડાના ફૂલની પોટલી બનાવીને નાભી નીચે બાંધવાથી મૂત્રાશયના રોગ દુર થાય છે અને અંડકોષ નો સોજો પણ દુર થાય છે.
પિત્તને કારણે આંખો આવી હોય ત્યારે કેસૂડાનો રસ મધ સાથે ભેળવીને આંજવો અને તેના રસને ઉકાળીને પેસ્ટ જેવું થઇ જાય પછી આંખના પોપચાનાં ભાગ પર તેનો લેપ કરવો. આંખોમાં ચીપડા વધારે થતાં હોય ત્યારે અને તેને કારણે આંખ ચોંટી જતી હોય ત્યારે કાંસાના વાસણમાં થોડું દહીં લઈને તેમાં ખાખરાનાં પાન ઘસીને આંજન કરવું.
કેસુડાના પાંદડા પણ ગર્ભધારણ કરવામાં ઘણા ઉપયોગી છે. ગર્ભધારણ પહેલા મહીને એક પાંદડું, બીજા મહીને ૨ પાંદડા, આવી રીતે નવમાં મહીને નવ પાંદડા લઈને એક ગ્લાસ દુધમાં પકાવીને સવાર સાંજ આ દૂધ ઉપયોગમાં લેવું જોઈએ. આ પ્રમાણે કરવાથી ગર્ભધારણ માં જરૂર ફાયદો થાય છે.
કેસુડાના મૂળનો ઉપયોગ રતાંધળાપણા ને ઠીક કરીને, આંખોના સોજાને દુર કરીને આંખોની દ્રષ્ટિ વધારવા માટે કરવામાં આવે છે. કેસુડાના તાજા મૂળનું એક ટીપું રસ આંખમાં નાખવાથી આંખની ઝાંખ, ખીલ, ફૂલી, મોતિયાબિંદ અને રતાંધળાપણું વગેરે પ્રકારના આંખના રોગો ઠીક થઇ જાય છે.
કેસુડાની છાલ અને સુંઠની રાબ ૪૦ મી.લિ. ના પ્રમાણમાં સવાર અને સાંજ પીવાથી આફરો અને પેટનો દુખાવો દુર થઇ જાય છે. કેસુડાની નવી કુપળ ને છાયામાં સુકવીને વાટીને તેને ગાળીને ગોળમાં ભેળવીને લગભગ ૧૦ ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ ખાવાથી પ્રમેહ દુર થઇ જાય છે.
હવે અમે તમને જણાવીશું ખાખરાનાં ગુંદર થી થતાં લાભો વિશે : ખાખરાનો ગુંદર બજારમાં કમરકસના નામથી ઓળખાય છે. આ ગુંદર શક્તિવર્ધક છે. તેનો જીણો ભૂકો કરી ઘી માં તળવો એટલે ફૂલીને પાણી જેવો થશે. તેને જીણું ખાંડી તેમાં સરખા ભાગ સાકર, બદામ, પિસ્તા, એલચી, ખારેક, ચારોળી વગેરે નાખીને ખાવાથી શરીરમાં સારી શક્તિ આવે છે.
ખાખરાનો ગુંદર અતિસાર અને સંગ્રહણી ઉપર બહુ સારી ઔષધિ છે. ખાખરાનો ગુંદર ૨ ગ્રામ મધ અને ખડીસાકર સાથે લેવાથી અતિસાર અટકે છે. નાના બાળકોને ઉનાળામાં દાંત આવે છે ત્યારે જે ઝાડા થાય છે તે ઝાડામાં ખાખરાનો ગુંદર ખૂબ ફાયદો કરે છે.
ખાખરાનાં મૂળ ખૂબ શક્તિવર્ધક ઔષધ છે. ૧૦ ગ્રામ ખાખરાનાં મૂળ ૧ લિટર પાણીમાં ઉકાળો બનાવી રોજ સવારે એક વખત મધ અને ખડી સાકર નાખી પીવાથી બે અઠવાડિયામાં સારી એવી શક્તિ વધે છે. આ ઔષધ વિશેષતઃ પુરુષનું પુરુષાતન વધારે છે.
ઉકાળાં કરતાં ખાખરાનાં મૂળનું વસ્ત્રગાળ કરેલું ચૂર્ણ ઘી અને ખડીસાકર સાથે સવાર સાંજ ખાવાથી સ્વાસ્થ્ય માં સારો ફાયદો થાય છે. ખાખરાના પાન ગાંઠા, સોજા ઉપર બાંધવાથી આરામ મળે છે. ખાખરાના ઝાડને લાવી, બાળી નાખી તેની રાખ કરવી. તે સ્વચ્છ પાણીમાં નાખવી, અને સારી રીતે ચોળી પછી નીતરવા દેવી અને ઉપરનું પાણી લઈ તેને ઊકળવા મૂકવું જે બાકી રહે તે ખાખરાનો ક્ષાર કફનું મોટું ઔષધ છે.