આરગ્વધ એટલે ગરમાળો. સોનેરી પીળા પુષ્પોથી આચ્છાદિત ગરમાળાના વૃક્ષોની વિશિષ્ટ સ્વર્ણમય આભાને લીધે એને આયુર્વેદમાં સુવર્ણક, સુવર્ણભૂષણ, રાજવૃક્ષ વગેરે નામો આપવામાં આવ્યા છે. ઔષધીય ગુણોની દૃષ્ટિએ પણ તે એટલું જ વિશિષ્ટ વૃક્ષ છે. ગરમાળાના વૃક્ષો ૨૦થી ૩૦ ફૂટ ઊંચા થાય છે. આયુર્વેદિય મતે તે સ્વાદમાં મધુર અને કડવો, શીતળ હોય છે.
મસા-હરસની તકલીફ સાથે મળાવરોધની ફરિયાદ પણ રહેતી હોય છે. એ કારણે રોગીને વધુ કષ્ટ પડે છે. આ સમયે ગરમાળાનો ગોળ અને મીંજ કાઢેલી કાળી દ્રાક્ષ ૧૦-૧૦ ગ્રામ તથા હરડે પાંચ ગ્રામ લઈ બધાને ખાંડીને તેનો ઉકાળો કરીને પીવાથી મળાવરોધ દૂર થઈ દબાણ ઓછું થતાં હરસની વેદના અને સોજો દૂર થશે.
અવારનવાર જો કાકડામાં સોજો આવતો હોય અને પાણી પીવાથી પણ ગળામાં પીડા થતી હોય તો ગરમાળાની છાલના ૧૦ ગ્રામ ભૂકાનો ઉકાળો કરી લેવો. આ ઉકાળો થોડો થોડો પીતાં રહેવાથી કાકડાનો સોજો ઝડપથી ઊતરે છે.
પેટનાં કૃમિ-કરમિયાને લીધે જો ઝીણો તાવ, ખંજવાળ, ઊલટી, રક્તાલ્પતા વગેરે તકલીફો થતી હોય તો ૨૦ ગ્રામ ગરમાળાનો ગોળ અને પાંચ ગ્રામ વાવડિંગનો ઉકાળો કરી તેમાં બે ચમચી દિવેલ મેળવી રોજ સવારે પી જવો. કૃમિ મળ- ઝાડા સાથે બહાર નીકળી જશે. કોષ્ઠશુદ્ધિ પણ થઈ જશે.
ગરમાળામાં ઘા-જખમની શુદ્ધિ કરવાનો ઉત્તમ ગુણ છે. ગરમાળાના પાનનો ઉકાળો કરી એ ઉકાળાથી ઘાને ધોવાથી તે દોષરહિત બની ઝડપથી રુઝાય છે.
ત્વચાના સર્વ રોગોમાં ગરમાળો ઉત્તમ છે. ગરમાળાના પંચાંગનો ઉકાળો કરી સવાર-સાંજ અર્ધો અર્ધો કપ પી જવો. સ્નાન પણ આ ઉકાળાથી કરવું. ખસ, ખંજવાળ, ખરજવા જેવા ત્વચાના રોગો તેનાથી મટે છે.
ગરમાળાના પાનને છાશની સાથે મસળીને ત્વચા પર લગાવવામાં આવે તો ત્વચા સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે. દાદ, ખાજ-ખુજલી થવા પર ગરમાળાની ફળીઓના પલ્પ અને મીઠા લીમડાના પાનને સાથે પીસીને આ મિશ્રણને સંક્રમિત ત્વચા પર લગાવવામાં આવે તો બહુ ઝડપથી ફાયદો થાય છે.
જો અસ્થમાની સમસ્યા હોય તો ગરમાળાના પાન વાટીને 10 મિલી તેનો રસ પીવામાં આવે તો શ્વાસની તકલીફમાં બહુ ફાયદો થાય છે. આદિવાસીઓ મુજબ દરરોજ દિવસમાં બે વાર લગભગ એક મહિના સુધી આ રસ પીવડાવવામાં આવે તો આ સમસ્યા જડમાંથી દૂર થાય છે.
ગરમાળાની સીંગોને એક કિનારાને તોડીને અંદરથી પોલું કરીને પલ્પને બહાર કાઢે છે. પોલી ફળીને રાતે પાણીમાં પલાળી દેવામાં આવે છે. સવારે આ પાણીને એવા વ્યક્તિને આપવામાં આવે છે જેને સતત દસ્ત થઈ રહ્યા હોય, ખૂબ જ જલ્દીથી ફાયદો થાય છે.
ગરમાળાની સીંગો અને છાલનું ચૂર્ણને ઉકાળીને પીવાથી આર્થ્રાઈટિસ અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. ગરમાળાની છાલ, ગિલોયનું થડ અને અરડૂસીના પાનને સમાન માત્રામાં લઈને ઉકાળો તૈયાર કરે છે. અને આર્થ્રાઈટિસના રોગીઓને આપે છે.
ડાયાબિટીસના રોગીઓને દરરોજ ગરમાળાની સીંગોના પલ્પનું સેવન કરવાની સલાહ આપે છે. દરરોજ સવાર-સાંજ 3 ગ્રામ આના પલ્પનું સેવન નવશેકા પાણી સાથે કરવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
આમળા અને ગરમાળાના પલ્પને સમાન માત્રામાં મિક્ષ કરીને 100 મિલી પાણીમાં ઉકાળી લેવું અને જ્યારે અડધું રહે પછી તેને ગાળી લેવું અને લોહીના વિકારોથી ગ્રસ્ત રોગીઓને આ આપવામાં આવે તો વિકાર ફટાફટ શાંત થાય છે, અને આરામ મળે છે.
શરીરમાં બળતરા થવા પર- ગરમાળાના ફળનું પલ્પ, દ્રાક્ષ અને પુનર્નવા (સાટોડી)ને સપ્રમાણમાં (દરેક 6 ગ્રામ) લઈને 250 મિલી પાણીમાં ઉકાળવું અને 20 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળવા દેવું. ઠંડુ થવા પર રોગીને આપવામાં આવે તો બળતરામાં આરામ મળે છે.
તાવ આવવા પર ગરમાળાનું 3 ગ્રામની માત્રામાં પલ્પ દિવસમાં 3 વાર એવું 6 દિવસ સતત લેવામાં આવે તો તાવમાં ઝડપથી આરામ મળે છે. અને તાવની સાથે થનારા શરીરના દુખાવામાં પણ આરામ મળે છે.
મોટી હરડેનું ફળ, કટકી (એક છોડ)ના દાણા, ગરમાળાના બીયા અને આમળાના ફળને સપ્રમાણમાં પીસી લેવું અને આ મિશ્રણને પાણીમાં ઉકાળવું. લગભગ 4 ગ્રામ ઉકાળામાં સ્વાદનુસાર મધ મિક્ષ કરીને તેને ચાટી લેવું, આવું કરવાથી ભયંકર તાવ પર જલ્દીથી મટે છે.
ગરમાળાના તાજા પલ્પને અપચાથી પરેશાન વ્યક્તિને આપવાથી ઝડપી આરામ મળે છે. આ પલ્પની સાથે કાચાં જીરાંને મિક્ષ કરવાથી તે વધુ અસરકારક થાય છે.
ગરમાળાના ફુલનું ગુલકંદ બનાવવામાં આવે છે. ગરમીના દર્દોમાં ગરમાળાનો ગોળ દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે. વારંવાર પેશાબ, નરાકોરી ફુટવી, મુત્રદાહ, મૃગજની ગરમી, ગામડીના વિકાસે, સોરાયસીસ, કોંઢ હોય તો ગરમાળાના પચાંગના ઉકાળામાં ઘી સિદ્ધ કરી રોજ ખાવાથી કોઢ મટે છે.
રતવામાં ગરમાળાના પાનનો રસ ચોપડાવાથી ફાયદો થાય છે. આમ ગરમાળાનાં ફુલ, પાન, થડ, છાલ તેમજ ફળ અને સિંગો ઘણા રોગોમાં અકસીર ઈલાજ છે. ફુલ પીળા હોવાથી ઉનાળામાં ઘણી શોભા વધારે છે.