હળદર એ આયુર્વેદની સૌથી ઉત્તમ અને અસરકારક માનવામાં આવે છે. તેના સ્વાસ્થ્ય ને લગતા અઢળક ફાયદા છે. પરંતુ શું તમે જાણો છો કે ફેફસાંના દરેક રોગમાં હળદર એક અકસીર ઈલાજ માનવામાં આવે છે. ચાલો જાણીએ હળદર ફેફસાના રોગમાં કેવી રીતે લાભ આપે છે.
હેડકીની સમસ્યામાં હળદર સારો ઉપચાર સાબિત થાય છે. હળદર અને અડદની દાળને કુટીને હુક્કો અથવા ચિલમમાં ભરી ઉપર અગ્નિ મૂકી તેનો ધુમાડો મોઢેથી અંદર ખેંચવાથી કાયમની હેડકી મટી જાય છે. સૂકી ખાંસી માં હળદર રામબાણ ઈલાજ માનવામાં આવે છે. હળદરના ચૂર્ણમાં મધ મેળવીને ચણા જેટલી ગોળીઓ તૈયાર કરવી, આ ગોળી છાંયે સૂકવી બાટલી ભરી રાખવી. આ ગોળી ખાંસીવાળાને ચૂસવા આપવી.
હળદરના સેવન થી છાતીમાં ભરાયેલો કફ નીકળી જાય છે અને ખાંસી મટે છે. કપૂરીપાનમાં જેઠીમધને બદલે હળદરનો પાવડર નાખી દિવસમાં ચારપાંચ વાર આ પાન ચાવી ધીરે ધીરે તેનો રસ ગળામાં ઉતારતા જવાથી ઉધરસ માં લાભ થાય છે. હળદરના સમભાગે સિતોપલાદિ ચૂર્ણ લઈ તેમાં મધ મેળવી દિવસમાં ત્રણ વાર ચાટવાથી થોડા જ દિવસમાં ઉધરસ મટી જશે.
હળદરના કટકાને સોપારીના કટકાની જેમ મોઢામાં રાખી ચગળવાથી મોંઢાનાં ચાંદા, ખારાશ, બળતરા મટે છે અને ઉધરસમાં રાહત થાય છે. એક ગ્લાસ પાણીમાં તુલસીના સાત પાન અને એક તોલો હળદર પાવડર મેળવી તેમાં થોડી ચાની ભૂકી નાખી ઉકાળો, ખૂબ ઉકળ્યાં પછી ગરણી વડે તેને ગાળી લ્યો તેમાં એક ચમચી મધ મેળવી સવાર સાંજ આ કડવી ચા પીવાથી દરેક પ્રકારની ઉધરસ મટે છે.
હળદર, કાળા મરી, પીપર, રાસ્ના અને કપુર દસ ગ્રામ દરેક સરખા ભાગે લઈ તેમાં દ્રાક્ષ બીજ વગરની વીસ ગ્રામ અને ગોળ પચાસ ગ્રામ મેળવી ખૂબ જ સારી રીતે ખરલ કરવું, આ બધું મિશ્રણ બરાબર ઘૂંટાઈ જાય પછી વટાણા જેવડી ગોળી બનાવી. આ ગોળી નું સવાર સાંજ સેવન કરવું.
ગોળી લીધા પછી પાણી પીવાની તીવ્ર ઇચ્છા થશે તો પણ અડધા કલાક સુધી પાણી કે અન્ય કોઈ ચીજ લેવી નહિ આમ કરવાથી ઉધરસ મટે છે. આ ઉપચાર કરતાં હોય તે દરમિયાન તેલ, ખટાશ, મરચું, મૂળા, લીબુ, દહીં અને ઠંડા પીણાં ન લેવા જેથી ઉધરસ જરૂરથી મટશે.
જૂની ઉધરસ માટે હળદર એક અકસીર ઈલાજ સાબિત થાય છે. હળદરનું ચૂર્ણ ૩ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણવાર પાણી સાથે ભેળવીને પીવાથી જૂની ઉધરસ મટે છે. હળદરના કટકાને સોપારીની જેમ મોઢામાં રાખી ચગળવો. સાંજે સૂતી વખતે પણ મોઢામાં રાખીને જ સૂઈ જવું. આનાથી ખાંસી ઝડપથી મટે છે.
ખરાશવાળી ઉધરસ આવતી હોય તો હળદરના ગાંઠિયાને ગરમ રાખમાં શેકીને તેનું ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણ સવાર-સાંજ જમ્યા પછી મધ સાથે ૩ ગ્રામ જેટલું ચાટવાથી બે-ત્રણ દિવસમાં ખાંસી સંપૂર્ણ પણે મટી જાય છે. કપૂરીપાન બે તથા આદુનો ગાંઠિયો બંનેને વાટીને રસ કાઢવો આ રસમાં હળદરનું ચૂર્ણ બે ગ્રામ મેળવી ચાટણ તૈયાર કરવું આ ચાટણ સવારસાંજ ચાટવાથી ઉધરસ જડમૂળથી મટી જાય છે.
દૂષિત વાતાવરણથી રોગીને દૂર રાખવો બને ત્યાં સુધી વડના ઝાડ નીચે રહેવાથી અને લાંબા શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રાખવાથી રોગીના ફેફસાંને કાયદો થશે, વળી આ ઉપચાર ચાલુ રાખવાથી ઝડપી ફાયદો થશે. રોગીની પ્રકૃતિ અનુસાર ખોરાકનું સેવન કરાવવું ત્રણેક મહિનાના પ્રયોગથી ખાંસીમાં આરામ મળશે.
ન્યૂમોનિયા જેવા તાવ પર પણ હળદર સારું કામ કરે છે. એક સુતરાઉ કાપડની ચાદરને ચાર પડોમાં વાળી વચ્ચેના પડમાં હળદરને ગરમ પાણીમાં ઘોળીને કપડા પર હળદરને પાથરી દેવી, પછી દર્દીની છાતી પર આ કપડાંને બરાબર લપેટી દેવું પછી એક નાની પાતળી ઈટ ગરમ કરી લપેટેલાં કપડાં પર ગરમી મળે તે રીતે ધીરેથી મૂકવી જેથી તેની ગરમીથી કપડું ગરમ થતાં ગરમી છાતી સુધી પહોંચશે.
હળદરના લેપની આ ગરમ વરાળ ફેફસાં સુધી પહોંચશે, જેથી ફેફસાંની શરદી અને કફ દૂર થશે અને ફેફસાંનો સોજો પણ મટી જશે, અને ન્યૂમોનિયા જેવો તાવ પણ જલ્દીથી સારો થઈ જશે. અને શરીરને આરામ મળશે. ક્ષયરોગ પર હળદર સારો લાભ આપે છે. સો ગ્રામ હળદરના ચૂર્ણમાં દસ ગ્રામ વડનું દૂધ મેળવીને ખૂબજ ઘુંટવું. આ ચૂર્ણ બે રતી મધમાં મેળવીને દર્દીને સવાર-સાંજ ચટાડવું આનાથી અવશ્ય લાભ મળે છે.