બદલાતી જીવનશૈલી અને ખોટા ખોરકના સેવન થી લોકોમાં હરસ-મસાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. નાનેથી લઈને મોટા બધાને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. માટે અમે આ સમસ્યાના ઘરેલુ ઉપચાર વિશે તમને જણાવવાના છીએ. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપચાર વિશે.
બોડિયો કબારનો રસ ૨ તોલા અને મરી ૨૧ નંગનું સાથે સેવન કરવાથી મસા સારા થાય છે. સૂકા કંટોલાનું ચૂર્ણ અથવા તેના કંદનું ચૂર્ણ પા તોલો લેવાથી મસા માં આરામ મળે છે. કમળકાકડી સાકર સાથે ખાવાથી હરસ-મસામાં લાભ થાય છે. કપૂરનો ભૂકો લેવાથી હરસમાં લોહી પડતું બંધ થાય છે.
કપૂર અને અફીણ માખણ સાથે લગાડવાથી હરસ મટે છે. કપૂર, અફીણ અને જાયફળ તલના તેલમાં ઘૂંટી મલમ જેવું બનાવીને લગાડવાથી મસા ખરી પડે છે. કપૂર પા તોલો, રસવંતી 1 તોલો અને લિંબોળીનું ગર્ભ 1 તોલો સો વાર ધોયેલા ઘીમાં મેળવીને લગાડવા થી લાભ થાય છે.
હરસ-મસાની સમસ્યામાં કચકાનો રસ 1 તોલો ચૌદ દિવસ સુધી પીવો અથવા હીંગ, નાગકેસર 1 તોલો અને કેસર 4 વાલ જેટલું લઈ તેનું ચૂર્ણ બનાવી બે આની ભાર ત્રણ દિવસ ખાવાથી લાભ થાય છે. ખારેકના ઠળિયાની પેસ્ટ હરસ પર લગાવી અથવા કુકડવેલના ફળનાં બીનો લેપ હરસ પર લગાવવથી લાભ મળે છે.
15 વર્ષનું જૂનું ઘી હરસ પર લગાડવાથી ફાયદો થાય છે. કૂતરિયા ધાસનો બાળેલો ભૂકો ખાવામાં ઉપયોગમાં લેવાથી હરસમાંથી પડતું લોહી બંધ થાય છે. કુકડવેલનાં ફળનાં બીજને ગાયનાં મૂત્રમાં વાટી હરસ પર લેપ કરવાથી ફાયદો થાય છે. ગરમાળાનાં પાંચ પાન અને સાત મરીના દાણા સાકરના પાણીમાં મેળવી રોજ બે વાર ખાવાથી હરસ મટે છે. હિંગની પેસ્ટ બનાવીને હરસ પર લગાવવાથી દર્દ મટે છે.
રતનજોતના ફળનો લેપ બનાવી હરસ પર લગાવવાથી હરસ મટે છે. હરસ-મસાની સમસ્યામાં કારેલાંનો રસ સાકર સાથે પીવો. ભૂખે પેટે એક કેળું, માખણ સાથે ખાવાથી હરસ મટે છે. કાળી દ્રાક્ષ પા તોલો, પા શેર દૂધમાં ઉકાળી દિવસમાં બે વાર પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. ખડિયોખાર અને નવસાર સો વાર ધોયેલા ઘીમાં મેળવી એક મહિનો હરસ પર લગાડવું.
સૂરણને કટકા કરી સૂક્વવા અને તેનું ચૂર્ણ તૈયાર કરવું આ માટે ચિત્રાનું મૂળ ૨ તોલા, હીમજી હરડે પા તોલો, સૂંઠ પા તોલા, પીપર પા તોલો, ગોળ ૮ તોલો નો પાક બનાવી રોજ ૧ તોલા દિવસ માં બે વાર ખાવાથી ફાયદો મળે છે. જુના ગોળ સાથે હરડે ખાવાથી લાભ મળે છે. જવાસા નાં ફૂલનો લેપ તૈયાર કરી હરસ-મસા પર લગાવવાથી લાભ થાય છે.
હરસના દર્દીએ છાશનું સેવન વધુ કરવું જોઈએ. જાંબુડાની છાલ પાણીમાં ભીંજાવવી ત્યારબાદ સૂર્યના તડકે ૮ દિવસ સૂક્વી રાખવી. ત્યારબાદ તે છાલ પાણીમાં ઉકાળી તે ઉકાળો પીવાથી લાભ મળે છે. જીરાની ફાકી પાણી સાથે લેવાથી હરસનું લોહી, કળતર અને દુખાવો મટે છે. પા શેર દૂધમાં એક લીંબુ નીચોવી પીવાથી હરસથી થતી બળતરા બંધ થાય છે.
તમાકુની અથવા તપખીરનો લેપ કરી હરસ પર મૂક્વાથી દર્દ મટે છે. કાળા તલ, ગાયનું માખણ, સાકર ૧ પૈસા ભાર રોજ ચાર વાર ખાવાથી હરસ-મસામાં લાભ થાય છે. જંગલી તુલસીનાં પાન દહીં સાથે સાત દિવસ ખાવાથી લાભ થાય છે. ટંકણખાર, કાથો, ગંધક દરેક પા તોલો ઘીમાં મેળવીને મલમ તૈયાર કરી લગાવવાથી હરસ અને મસામાં થતી બળતરા બંધ થાય છે.
તુવેરની દળમાં હળદરનો મોટો ગાંઠિયો બાફવો અને પછી છાયામાં સૂક્વવો. સુકાયા બાદ પાણીમાં ઘસી હરસ પર લગાડવાથી લાભ મળે છે. માખણ સાથે નાગકેસર ખાવાથી હરસમાં ફાયદો થાય છે. નાગકેસર સાકર સાથે સમભાગે મેળવી પા તોલા પાણી સાથે સવાર-સાંજ પીવાથી લાભ મળે છે. લીલું કોપરું અને સાકર ચાવીને ખાવાથી હરસ મટે છે. હાથલા થોરના ફીંડવાનો રસ બે તોલા ત્રણ દિવસ પીવાથી હરસ નરમ પડે છે અને સાત દિવસ પીવાથી મસા ફરીથી થશે નહિ.
નાગકેસરનાં બીજ, ઇન્દ્રજવ, રસવંતી સમભાગે ચૂર્ણ કરી ચોખાના ધોવાણમાં મેળવી સાત દિવસ ખાવાથી હરસ મટે છે. પા તોલો ધાણા કોરા મટકા માં પલાળી સવારે તે પાણી પતાસા સાથે મિક્સ કરીને પીવું જોઈએ, ધાણા અને બનસફા દરેક પા તોલો લઈ પીસીને રસ કાઢીને પાણી સાથે મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. ચિત્રક, ટંકણખાર, ગોળ અને હળદર સમભાગે મેળવી હરસ પર લગાડવાં.
તલનો ઉકાળો પીવાથી હરસમાં ફાયદો થાય છે. હરસ-મસા પર ફટકડી અને દિવેલ લગાડવું જોઈએ, તેનાથી આરામ મળે છે. નગોડનાં પાનનું ચૂર્ણ પા તોલો ગોળ સાથે ખાવુ. ભોંયરીંગણીનાં મૂળની છાલ છાયામાં સૂક્વવી ને તેનું ચૂર્ણ કરી રોજ ત્રણ વાર ઉપયોગમાં લેવું. ભારંગીનાં મૂળ ૧ તોલો, પાંચ તોલા પાણી સાથે મેળવી રોજ ત્રણ વાર પીવું.
મૂળાના કંદ તથા પાન વચ્ચેનો લીલા ભાગનો રસ કાઢી 2 તોલા ઘી સાથે મેળવી પીવાથી તરતના હરસ મટે છે. મરી ૧૫ તોલા, સુવા ૨ શેર ખાંડી મધ સાથે પાક બનાવવો. રોજ ૧ તોલો પાક ખાવાથી સૂકા મસામાં ફાયદો કરે છે. ખાવાનું મીઠું ધૂપેલમાં ભેળવીને લગાડવાથી લાભ થાય છે.
લીમડાનાં પાનનો રસ ૧ તોલો ઘી-સાકર સાથે મેળવી પાંચ દિવસ પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. લિંબોળીનું બી તેલમાં તળવું. તેમાં મોરથુથુ મેળવીને ઘી સાથે હરસ પર લગાડવું. વડની છાલનું ચૂર્ણ ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. આમ આ ઘરેલુ ઉપચારથી હરસ-મસા મટાડી શકાય છે.