કયારેક આપણને એમ લાગે છે કે, જીવન નિયંત્રણ બહાર જતું રહ્યું છે. જે કાંઈ થઈ રહ્યું છે તે સંતોષજનક નથી. આ પ્રકારની સ્થિતિમાં આપણે આપણું આધ્યાત્મિક પાસું બહાર લાવવાની જરૂર હોય છે. મન, શરીર અને આત્મા વચ્ચેના સુમેળની જરૂર હોય છે. આ સુમેળ લાવવા માટે નીચે દર્શાવ્યા પ્રમાણેના સૂચનોનો અમલ કરી જુઓ. તમને ચોક્કસ લાભ થશે.ઘણી વાર કોઈ નાની નાની વાત માં આપણને બોવ ગુસ્સો આવી જતો હોય છે,તો ચાલો આજે આપણે જાણીએ કે આપણે આપણા ગુસ્સા ને કેવી રીતે શાંત કરી શકીએ.
મનની શાંતિ શોધો:
મનના વ્યાપારોને શાંત પાડવા માટે વર્ષોથી ધ્યાનની પદ્ધતિ પ્રયોજાતી આવી છે. ધ્યાન કરવાની અનેક રીતો છે. તેના કોઈ કડક નિયમો નથી. તમે ધ્યાન ધરવા ચીજવસ્તુઓ, પ્રકૃતિ, ધ્વનિ વગેરેનો ઉપયોગ કરી શકો છો. શરૂઆતમાં તમે ‘મેડિટેશન ટેપ’નો ઉપયોગ કરીને ધ્યાન શીખી શકો છો.
ફેંગશૂઈ:
ઘણાં નિષ્ણાતો માને છે કે, ફેન્ગ-શૂઈથી માનસિક અને ભૌતિક એમ બંને પ્રકારના લાભો મળે છે. પૂર્વના દેશોની આ પ્રાચીન વૈજ્ઞા:નિક પદ્ધતિ વાતાવરણમાંના તત્ત્વોને સંતુલિત કરીને લાભદાયક ઊર્જા ઉત્પન્ન કરે છે. જેને ‘ચિ’ કહેવામાં આવે છે. એક ફેન્ગ-શૂઈ નિષ્ણાત કહે છે, ‘જીવનયાત્રામાં પાણી મહત્ત્વનું તત્ત્વ છે. તમારા ઘરના પ્રવેશદ્વાર પાસે ખળખળતું પાણી રાખવાથી તમારા જીવનનો માર્ગ સરળ બનશે. તમારા માર્ગમાં આવતા નાના અવરોધોથી તમે ચલિત નહીં થાઓ.’
મંત્રોચ્ચાર કરો-હળવા બનો:
મંત્રોચ્ચાર આપણને ઝડપથી ધ્યાનની સ્થિતિમાં લઈ જાય છે. મંત્રોચ્ચારને ધ્યાનથી સાંભળો. તેનો અવાજ સાંભળવાની પ્રક્રિયા તમારા મનને અન્ય વિચારોથી દૂર રાખશે. તમે હળવા બની જશો.
ઘરને ખુશનુમા બનાવો:
શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે, તમારા ઘરની કોઈ ચેતના કે વ્યક્તિત્વ છે? એક નિષ્ણાત ઘરની ઊર્જાને શુદ્ધ બનાવવાની સલાહ આપે છે. તાણભર્યા સંબંધો, હાનિકારક વિચારો ઘરના વાતાવરણને કલુષિત બનાવે છે. વાતાવરણને સુધારવામાં ઉપયોગી સરળ ઉપાયો છે. ઘંટડીનો અવાજ, સુગંધિત પાણી છાંટવું, મીણબત્તી સળગાવવી, બારીઓ સાફ કરવી.
જો તમને એમ લાગતું હોય કે ભૂતકાળની ભૂતાવળ તમારા વર્તમાન જીવનને બગાડી રહી છે તો સમજો કે તમારે તમારા શરીરના સૂક્ષ્મ ચક્રોને વ્યવસ્થિત કરવાની જરૂર છે. આ સાત ચક્રો માથાથી લઈને કરોડના નીચેના છેડા સુધીમાં ગોઠવાયેલા હોય છે. નિષ્ણાતો રુંધાયેલા ચક્રો પર હળવું દબાણ આપીને અવરોધને દૂર કરે છે. એક નિષ્ણાત કહે છે, ”લોકો પોતાના ચક્રોમાં ઘણી લાગણીઓનો સંગ્રહ ધરાવતા હોય છે. ચક્ર-ચિકિત્સા તેઓને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. તેઓ જૂના મિત્રોને યાદ કરીને મળે છે. નવા સ્થળોએ ફરવા જાય છે. જીવનને ફરી વાર માણવા લાગે છે.”
આપણું અર્ધજાગ્રત મન આપણી ખુશી અને સફળતાનો આધાર છે. તેને પ્રભાવિત કરીને આપણે આપણા જીવનને સુધારી શકીએ છીએ. આપણા વિશે અને આપણા જીવન વિશેના હકારાત્મક ટૂંકા વિધાનો આપણા માટે ખૂબ મદદરૂપ નીવડે છે. જ્યારે આપણે આ રીતે વિચારીએ છીએ ત્યારે તેની છાપ આપણા અર્ધજાગ્રત મન પર પડી જાય છે. ઉદાહરણ તરીકે : ”હું મારા ધ્યેય તરફ મક્કમ પગલે આગળ વધી રહી છું.” ”હું મારા જીવનને સાર્થક બનાવીશ.” આ પ્રકારના હકારાત્મક વાક્યોને દિવસમાં ત્રણ વાર દસ પુનરાવર્તન કરીને મનમાં બોલો.
પક્ષીઓને ખવડાવો:
ઓફિસમાં તમારા લન્ચ-બ્રેક દરમિયાન ઓફિસની બહાર જઈને કોઈ પાર્ક કે ગાર્ડન જેવી જગ્યા શોધીને ત્યાં બેસો. પાસે સિંગદાણાનું એક પેકેટ રાખો. કલ્પના કરો કે તમે તમારી રોજિંદી દુનિયામાંથી એક જુદી જ દુનિયામાં આવી ગયા છો. દરેક સિંગદાણો જાણે કે એક નકારાત્મક ભાવ કે વિચાર છે. હવે સિંગદાણાને તમારા નકારાત્મક ભાવનું નામ આપીને જમીન પર ફેંકો અને વિચારો કે નકારાત્મક વિચારને તમે ત્યજી દીધો છે. પાર્કમાં ફરતાં પક્ષીઓને ભોજન મળી જશે. તમારી નકારાત્મકતા જતી રહેશે અને પક્ષીઓને ખવડાવવાનો આનંદ તમને મળશે.
આપણે જે ખાઈએ છીએ તે પ્રકારના આપણે બનીએ છીએ એ વાત સુવિદિત છે. એક નિષ્ણાતના મત મુજબ શરીરને ડિટોક્સ કરવાથી આપણી ચેતના ઊંચાઈ તરફ ગતિ કરે છે. શરીર ડિટોક્સ થવાને કારણે મગજની સ્થિતિ પણ સુધરે છે. આપણું મન સ્પષ્ટ અને દૃઢ બને છે. શરીર-શુદ્ધિની પ્રક્રિયા આપણને આપણી લાગણીઓ સાથે જોડે છે અને તેથી આપણામાં જાગૃતિ આવે છે. આપણે આપણા મનને સારી રીતે સમજવાની ક્ષમતા પ્રાપ્ત કરીએ છીએ. શાક અને ફળોના તાજા રસ પીઓ. રેસાયુક્ત ખોરાક ખાઓ. બ્રાઉન રાઈસ અને ઓટ્સ રેસાવાળો આહાર છે. સારી કક્ષાનું પ્રોટીન ખાઓ. નટ્સ, સીડ્સનો નાસ્તો કરો. ડિટોક્સની પ્રક્રિયા દરમિયાન ખાંડ, ડેરી પ્રોડક્ટ્સ, ઘઉં અને આલ્કોહોલ લેવાનું ટાળો.
રોજની પાંચ મિનિટની શ્વાસની કસરત જીવનમાં સંતુલન, સુમેળ અને શાંતિ લાવવામાં મદદ કરે છે. પ્રાણાયામની સાદી પદ્ધતિ આ પ્રમાણે છે. એકથી ચાર સુધી ગણતા શ્વાસને અંદર લો. ઉચ્છ્વાસ કાઢતી વખતે ફરી વાર એકથી ચાર સુધી ગણો.
દયાળુ બનો:
પૂ. દલાઈ લામાના કહેવા મુજબ ઈર્ષા અને ગુસ્સા જેવી નકારાત્મક લાગણીઓ માનસિક મુક્તિમાં અવરોધરૂપ છે. હવે પછી જ્યારે તમને કોઈના પર ગુસ્સો આવે ત્યારે ગુસ્સાને બાજુ પર મૂકીને તે વ્યક્તિને તેની દૃષ્ટિથી જોવા પ્રયત્ન કરો. તેની કોઈ સારી બાજુને શોધી કાઢો અને તેને ધ્યાનમાં રાખીને તેના વિશે વિચાર કરો. સહાનુભૂતિ અને અનુકંપા આપણી અંદરના કોઈ દરવાજાને ખોલી કાઢે છે. જેથી આપણને વિચારવામાં અને સંવાદ કરવામાં મદદ મળે છે. હૃદયમાં ઉદ્ભવતી ઉષ્મા આપણને નિખાલસ બનાવે છે. જેથી મનમાં નકારાત્મક ભાવો ઉદ્ભવતા બંધ થઈ જાય છે.
એરોમા થેરપી:
ઈસેન્શિયલ ઓઈલ ફક્ત સારી સુગંધ નથી આપતા, તે આપણા મૂડને સુધારે છે અથવા આપણા મનને શાંત પાડે છે. રોઝ, લવંડર, લેન્ઝ-લોન્ગ, ઓરેન્જ-બ્લોસમ અને કેમોમાઈલ મનને શાંત પાડવા માટે જાણીતા ઓઈલ્સ છે. તમને જે સુગંધ સારી લાગે તેના ઓઈલનો ઉપયોગ કરો. એક ઓઈલ બર્નરમાં તમારી મનપસંદ સુગંધના ટીપાં નાખો. ઓઈલને સીધું ત્વચા પર લગાવશો નહીં. તેને કેરિયર ઓઈલમાં મેળવીને (મંદ પાડીને) પછી વાપરો. આલ્મંડ ઓઈલ એક સારું કેરિયમ-ઓઈલ છે. જરૂર લાગે તો નિષ્ણાતની સલાહ લો.
ફૂલોનું સાંનિધ્ય:
ફૂલોના સાંનિધ્યમાં રહીને તેમજ તેમને સૂંઘીને આપણે તાજગીનો અને પ્રસન્નતાનો અનુભવ કરી શકીએ છીએ. સદીઓથી ફૂલોની આ શક્તિનો ઉપયોગ થતો આવ્યો છે. ડો. એડવર્ડ બેક કે જેઓએ આડત્રીસ પ્રકારના ફૂલોની ચિકિત્સા પદ્ધતિ વિકસાવી હતી તેમના મત મુજબ આ ચિકિત્સા પદ્ધતિથી માણસનું લાગણીતંત્ર સંતુલિત બને છે. અતિશયાત્મકતા માટે વાઈલ્ડ ઓટ્સ, ઉદાસી માટે મસ્ટર્ડ ઉપયોગી છે.