ટાઇફોઈડ તાવ હાલમાં ઘણે ઠેકાણે થતો જોવા મળે છે. નાની ઉંમરનાં બાળકોને અને જુવાન માણસોને આ રોગ વિશેષ થાય છે. ઘડપણમાં ઓછો થતો જણાય છે. આ તાવ ઘણો ભયંકર છે, અને તેનાથી ઘણાં લોકો મૃત્યુ પણ પામે છે. શરદઋતુમાં આ તાવનું જોર વધુ હોય છે.
આ તાવનું મૂળ કારણ એક જાતનાં સૂક્ષ્મ જંતુ (ટાઇફૉસ બૅસિલસ) છે. ગંદી અને ગંધાતી જગ્યા માં આ જંતુઓ પેદા થાય છે. જ્યાં હવા બગડેલી હોય, ઘણા લોકોનો જમાવ થતો હોય અને જ્યાં મળમૂત્રાદિક નાખવામાં આવતાં હોય એવાં સ્થળોમાં આ તાવની ઉત્પત્તિ વિશેષ હોય છે. આ રોગ બહુ ચેપી છે. દર્દીના મળ મારફત તેમ જ પાણી, દૂધ, ખોરાક અને માખીઓ દ્વારા આ ચેપ ફેલાય છે.
કેટલીક વખત આ તાવ ઊલટી અને ઝાડાથી શરૂ થઈને આવે છે. પણ ઘણું કરીને બીજા તાવ માફક તે ધીમે ધીમે જ આવે છે. આ તાવમાં હાથપગ તોડાય છે, ધબકારા વધી જાય છે. શરીરની ગરમી વધી જાય છે. રાતે ઊંઘ આવતી નથી. તરસ ઘણી લાગે છે. પેટ દુખે છે. વિશેષ કરી જમણી બાજુએ પેડુના ભાગમાં દર્દ અધિક હોય છે.
ઝાડો ઘણી વાર પાતળો ઊતરે છે. તાવ રાતની વખતે વધીને તેની ગરમી ૧૦૪ ડિગ્રી સુધી જાય છે. કોઈ વાર પેશાબ લાલચોળ ઊતરે છે અને કોઈ વાર ઝાડો તથા પેશાબ બંનેમાં કબજ રહે છે. રોગની શરૂઆતમાં ગાલ પર લાલી દેખાય છે તે આ તાવનું એક લક્ષણ છે.
બકરીનું દૂધ, પાણી મેળવેલું ગાયનું દૂધ, મોળી તાજી છાશ, જવનું પાણી, મોસંબીનો રસ, ચા, આ ટાઇફોઈડ વાળા દર્દીઓને આપવું. કફ ના દોષ હોય તો દૂધ ન આપવું. બકરીનું દૂધ આ તાવ માટે સારું મનાય છે. ગાયનું દૂધ સમાન પાણી અને લીંડીપીપર તથા બે ચાર કાળી દ્રાક્ષ નાખી ઉકાળી ગાળીને આપવું.
આ તાવમાં વ્યક્તિનું શરીર નબળું પડી જાય છે અને ધીરે ધીરે તેનું વજન પણ ઓછું થવા લાગે છે. આવી સ્થિતિમાં, ઉચ્ચ કેલરી વસ્તુ શરીરને શક્તિ આપવા માટે કામ કરે છે. કેળા, શક્કરીયા, મગફળીના અને માખણ જેવી વસ્તુ ખાઈ શકો છો. જો તાવ કે શરદી થાય તો તુલસી ના પાંદડા તથા મરીનો ઉકાળો પીવો જોઈએ જેથી તાવ અને શરદી માં વધુ રાહત અનુભવાય છે
આદુનો નાનો ટુકડો અને ફૂદીનાનાં કેટલાંક પાંદડા વાટીને એક કપ પાણીમાં મેળવીને દ્રાવણ બનાવી લો અને દિવસમાં બે વાર આ દ્રાવણને પીવાથી તાવ ઓછો થવા લાગશે. આદુની ચટણી એક કપ સફરજનના જ્યૂસમાં મેળવીને તેને પીવાથી પણ તાવમાં આરામ મળે છે. ગળો, ધાણા, લીમડાની અંતરછાલ, લાલચંદન નો ઉકાળો દિવસમાં બે વાર પીવાથી તાવ માં આરામ મળે છે.
ટાઇફોઇડ વાળા વ્યક્તિ ને વધુ માં વધુ પાણી પીવું જોઈએ જેથી તેના શરીરમાંથી પાણી ઓછું ના થાય અને શરીરમાં નબળાઈ ના આવી શકે. સૂકી દ્રાક્ષ એ ટાઇફોઇડ તાવ થી રાહત મેળવવા માટે શ્રેષ્ઠ વસ્તુ છે. તે યુનાની દવા તરીકે પણ જોવામાં આવે છે. નવસાર કે ગગુળ સાથે હિંગ આપવાથી ટાઈફોઈડ મટે છે.
દાડમ, સફરજન, પપૈયું આપવાં. કાળી દ્રાક્ષને ધોઈ, બિયાં કાઢી નાખી, વાટી, અંદર જીરું, મીઠું, લીંબુ નાખી ચટણી બનાવીને આપ્યા કરવી. મોં ચીકણું રહેતું હોય તો આદુંના રસના કોગળા કરવા, કફ હોય તો મોસંબી, સંતરાં ન આપવાં જોઈએ. દૂધમાં તુલસી, ફુદીનો, આદુ, મરી, એલચી, કેસર વગેરે નાખીને પીવું.
તુલસીનાં પાંદડા ૧૫થી ૨૦ જેટલાં લઈ, તેમાં લીમડાનો રસ પાંચ ગ્રામ, નાની પીપર ના દસ ટુકડા, દસ ગ્રામ સૂંઠ લઈ બધાને સારી રીતે મેળવી વાટીને એક ગ્લાસ પાણીમાં તે નાખીને ઉકાળો. તે ઉકાળાને ઠંડો પાડીને પીવો. આ દવા પીધા પછી અડધા કલાક સુધી અને અડધા કલાક પહેલાં કંઈ ન પીવો. આ આયુર્વેદિક ઉપાયને દિવસમાં બેથી ત્રણ વાર કરવાથી ડેન્ગ્યૂ, ટાઇફૉઇડ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગોમાં આરામ મળે છે.