ઘણા લોકો શિયાળા માં વધારે બીમાર રહેતા હોય છે. એવામાં જો તમે સીઝનલ બીમારીઓથી દૂર રહેવા માંગતા હોવ તો પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જરૂરી છે. મૂળો એક એવું શાકભાજી છે કે જેનાથી તમને વિટામિન C, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન B6, ફોલેટ, પોટેશિયમ, આયરન, મેંગેનીઝ, ફાઈબર, સુગર મળે છે. માટે શિયાળામાં મૂળા ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણો જ ફાયદો થાય છે. મૂળામાં રહેલ કેલ્શિયમ અને પોટેશિયમ હૃદયને લગતી સમસ્યાઓ દૂર રાખવામાં મદદ કરે છે.
મૂળા શાક અને કચુંબર તરીકે ખાવામાં આવે છે. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થૂ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. મોટાભાગે લોકો સલાડ તરીકે મૂળાનું સેવન કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને ગજબના ફાયદા મળે છે. જેને જાણીને તમે રોજ ભૂલ્યા વિના મૂળા ખાશો. તો, ચાલો જાણીએ મૂળા ખાવાથી તમને કેવા ફાયદા થઇ શકે છે?
મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહતત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન A થી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે. મૂળાના રસમાં થોડું સિંધવ અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત રીતે પીવાથી ચરબી ઘટે છે અને શરીર સુડોળ બને છે.
ભૂખ વધી જાય છે: જો કોઇને ભૂખ ન લાગવાની પરેશાની છે તો તેના માટે તમે મૂળાના રસમાં આદુનો રસ મિક્સ કરીને પીઓ. આમ કરવાથી તમારી ભૂખ વધશે અને તમને જો પેટ સંબંધિત કોઇ રોગ છે તો તે પણ દૂર થશે. દરરોજ સવારે ભોજન લેતી વખતે મૂળાનું સેવન કરવાથી ડાયાબિટીસમાં પણ ઘણી રાહત મળે છે.
કફ અને શરદી: મૂળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જેથી શિયાળામાં મૂળા ખાવાથી કફ, શરદી-ખાંસીની સમસ્યા થતી નથી. સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ઘણા વાયોવૃધ્ધ લોકો શરીરમાં સોજા અને બળતરાની સમસ્યાથી પીડાતા હોય છે તો મૂળો તેમના માટે ખૂબ ફાયદાકારક નીવડી શકે છે. સાથે સાથે મૂળામાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે. જેથી શિયાળામાં રોજ મૂળાનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે.
હદય માટે પણ મૂળો ખૂબ લાભકારી છે. મૂળમાં એન્થોસાયનિન ભરપૂર માત્ર માં હોય છે. મૂળા ખાવાથી હાર્ટ સંબંધી રોગો દૂર રહે છે. મૂળામાં ફોલિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. મૂળામાં ફાયબર સારા પ્રમાણમાં હોય છે. જેથી તેને ખાવાથી શરીરમાં ફાયબરની કમી થતી નથી અને પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. મૂળા લિવર અને ગોલ બ્લેડરને પણ હેલ્ધી રાખે છે. મૂળા મેટાબોલિઝ્મને પણ સુધારે છે. તેને ખાવાથી એસિડિટી, સ્થૂળતા, ગેસ્ટ્રિકની સમસ્યામાં રાહત મળે છે.