લીંબુનું શરબત આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક છે. તો ચાલો વધારાની વાત સિવાય તેને બનવાની રીત જોઈએ:
રીત 1: સારાં, પાકાં, તાજાં લીંબુનો કલાઈવાળી કઢાઇમાં 500 ગ્રામ રસ લેવો, તેમાં 1 કિલોગ્રામ સાકર નાંખી બરાબર ઉકાળી ચાસણી જેવું બનાવી શરબત તૈયાર કરવું. શરબત ગરમ હોય ત્યારે જ તેને કપડા વડે ગાળી લેવું. ગાળેલું શરબત ઠંડુ થાય એટલે કાચની શીશીઓમાં ભરી લેવું. આ શરબત 15થી 25 ગ્રામની માત્રામાં પાણીમાં મેળવીને લેવું. આ શરબત ગરમીની વ્યાકૂળતા દૂર કરી ઠંડક આપે છે. અપચો, ઉબકા, ઉલટી, અરૂચિ, મંદાગ્નિ, લોહીવિકાર તેમજ પિત્તપ્રકોપ જેવા તમામ રોગો ને મટાડે છે.
રીત 2: લીંબુનો રસ એક ભાગ અને ખાંડની ચાસણી છ ભાગ લઈ તેમાં લવિંગ અને મરીનું ચૂર્ણ થોડુંક નાંખી કાચની બરણીમાં ભરી લેવું. જરૂર પડે ત્યારે તેમાં થોડુક પાણી ઉમેરી લઈ શકાય. આ શરબત જઠરાગ્નિ પ્રદિપ્ત કરે છે.
રીત 3: લીંબુના રસ સાથે આદુનો રસ અડધા પ્રમાણમાં ઉમેરી તેમાં જરૂરી પ્રમાણમાં મધ ઉમેરવું. આ મિશ્રણ 1 ભાગ અને ત્રણ ભાગ ખાંડનું પાણી લઈ શરબત બનાવવું. આ શરબત ઉત્તમ પૌષ્ટિક તેમજ રસાયણ છે. લીંબુમાંથી સ્કર્વાશ અને સિરપ પણ બને છે.
રીત 4: સારાં, પાકાં, તાજાં વીસ લીંબુ લઈ તેનો કલાઈવાળી કઢાઈમાં રસ કાઢવો. આ રસને ઉકાળી તેમાં 500 ગ્રામ સાકર નાંખી ઉકાળતા જઈ મધ જેવું ઘટ્ટ થવા દેવું. તેમાં 10 ગ્રામ ઇલાયચીના દાણાનો પાવડર નાંખી ઠંડુ કરી કાચની શીશીમાં ભરી મજબૂત બૂચ મારી બંધ કરવી. અઠવાડિયે અઠવાડિયે તેને ગાળીને ફરીથી શીશીમાં ભરવું. આ સ૨કા જેવું ઘટ્ટ શરબત વીસ ગ્રામની માત્રામાં નિયમિત લેવાથી ઉધરસ મટે છે. પિત્તપ્રકોપ મટે છે અને ખોરાક લેવાની રૂચિ ઉત્પન્ન થાય છે.
રીત 5: 40 ગ્રામ આમલીને રાત્રે પાણીમાં પલાળવી. સવારે ૨૫૦ ગ્રામ પાણીમાં તેમને મસળવી. ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ નીચોવીને નાંખવો. આ શરબત વા૫૨વાથી ગરમીની ઋતુમાં તરસ લાગવાની ક્રિયા સામાન્ય બને છે.
રીત 6: તુલસીના પાન પીસીને તેની ચટણી બનાવવી. આ ચટણીમાં લીંબુ નીચોવી શરબત બનાવવું. શરબતમાં પ્રમાણસર ખાંડ/સાકર નાંખવી. આ ચટણી ભૂખ જગાડે છે તેમજ ખોરાક સાથે લેવાથી ખોરાક સ્વાદિષ્ટ લાગે છે. અરૂચિ દૂર થાય છે.
રીત 7: સારાં, પાકાં, તાજાં લીંબુનો રસ એક કિલોગ્રામ, આદુનો રસ 500 ગ્રામ, સિંધવ, 25 ગ્રામ, સંચળ 25 ગ્રામ, હિંગ પાંચથી સાત ગ્રામ અને સાકર એક કિલોગ્રામ બધાને ભેગા કરી કલાઈવાળી કઢાઈમાં ઉકાળી ત્રણ ઉભરા આવવા દેવાં, પછી નીચે ઉતારી ગરમ હોય ત્યારે જ તેને કપડા વડે ગાળી લેવું. ઠંડુ થયા બાદ કાચની શીશીમાં ભરી લેવો. આ શરબત પાંચથી દશ ગ્રામ જેટલો લઈ તેમાં 100 મિલિગ્રામ કપૂર અને 30 થી 10 ગ્રામ પાણી ઉમેરીને પીવાથી અપચો, અપચાથી થતો ઝાડા, કૉલેરા, મરડો, અરૂચિ, કબજિયાત, પેટમાં આવતી ચૂંક, ઉલટી મટાડે છે અને ઉદર કૃમિનો નાશ કરે છે. આ શરબતના સેવનથી ભૂખ સારી લાગે છે.