રસવંતી એ દારૂ હળદરનો રસ છે તાજી દારૂ હળદરને અડધી ખાંડીને પાણીમાં ઉકાળે છે જેથી તેનું તમામ બળ પાણીમાં આવી જાય છે. તાજી અને ચોખ્ખી રસવંતીનો રંગ પીળો હોય છે. રસવંતી ગુણમાં ગ્રાહી અને રસાયણ છે. તે ઉષ્ણ તથા વ્રણદોષ હરનાર છે. આ રસવંતીનો ઔષધ તરીકે ઉપયોગ થતો આવ્યો છે.
હવે અમે તમને જણાવીશું રસવંતીથી આપણને મળતા ફાયદાઓ વિશે. રસવંતીને સહેજ ગરમ પાણીમાં ઘોળી ચોપડવાથી બંને ખભા વચ્ચેનું દરદ મટે છે. ગ૨મ સોજા ઊતરે છે તથા ફોલ્લા કે ફોડકાને ફાયદો થાય છે. રસવંતીનાં ટીપાં કાનમાં નાખવાથી કાનની બહેરાશમાં રાહત રહે છે.
ગૂમડાં ઉપર તાંદળજાની ભાજી સાથે એને બાંધવાથી તે તરત રૂઝ લાવે છે. કાનમાંથી પરું વહેતું હોય ત્યારે રસવંતીને દૂધમાં ઘસી કાનમાં નાખવાથી રસી બંધ થાય છે.સામાન્ય રીતે રસવંતી આંખના પ્રમેહ, અત્યાર્તવ, પિત્તની તેજીને, ઊલટીને, હેડકીને, અર્શના દસ્તને અને પ્લીહાના સોજાં માટે ઉપયોગી છે. રસવંતી અને લાખને બકરીના દૂધમાં વાટી પીવાથી વાત, પિત્ત અને પ્રદર દૂર કરે છે.
રસવંતી ગ્રાહી ગુણ ધરાવતી હોવાથી તાવમાં અતિસાર થઈને આવે છે તથા ઊલટી સખત હોય તેવે વખતે સાકરમાં મેળવી આપવાથી ફાયદો થાય છે. રસવંતી, દારૂહળદર, ગોખરું, મજીઠ, સૂંઠ, સરસવ અને રતાંજલી દરેક પા તોલો લઈ તેનો લેપ બનાવવો. આ લેપ દાહ, કીડ તથા વ્રણનો નાશ કરે છે. એને શરીરે ચોપડવાથી બળ અને કાંતિમાં વધારો થાય છે. આને તલના અથવા કોપરાના તેલમાં ચોળવું.
રસવંતી અને હીમજ દરેક પાણો તોલો, સિંધવ મીઠું તોલો તથા ફટકડી એક તોલો લઈ તેનું અંજન બનાવવું. આ અંજન કરવાથી આંખમાંથી પાણી નીકળતાં હોય તે બંધ થાય છે. એનાથી તાપોડિયામાં પણ ઘણી રાહત થાય છે અને બળતરા પણ દૂર કરે છે.
રસવંતી બે ચમચી, તાંદળજાનો રસ એક તોલો એ તમામ એકત્ર કરવું. આ ઔષધ પીવાથી સ્ત્રીનો રક્ત પ્રદર તથા પુરુષનો પ્રમેહ મટે છે. રસવંતી , કડાછાલ, સૂંઠ, ઈંદ્રજવ, બીલીપાઠા મોથ, અતિવિષ, ઘાવડીનાં ફૂલ અને કડુ એ દરેક પા તોલો લઈ એનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ફાકવાથી અર્શ, ગડગૂમડાં, રક્તથી ઉત્પન્ન થયેલા દર્દો ઉપરાંત પિત્તથી ઉત્પન્ન થયેલો ગ્રહણી રોગ, અર્શ વગેરે મટે છે.
રસવંતીને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે. હળદર અને રસવંતીનો ઉકાળો મધ મેળવીને પીવાથી પ્રમેહ મટે છે. આમળાના રસમાં કે ઉકાળામાં મધ અને રસવંતી નાંખીને પીવાથી પેશાબ માર્ગે જતું પર બંધ થાય છે.
એક ચમચી રસવંતીમાં એક ગ્રામ શુદ્ધ કપૂર મેળવી પાણી સાથે ખૂબ ઘૂંટવું. તેની મગનાં દાણા જેવડી નાની-નાની ગોળીઓ બનાવી લેવી. સવારે, બપોરે અને રાત્રે આ એક એક ગોળી પાણી સાથે ગળી જવી. આ ઉપચારથી રક્તસ્ત્રાવ ઝડપથી બંધ થાય છે. રસવંતી, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કરચલી દુર થઇ ત્વચા સુંદર અને તેજસ્વી બને છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.