પીપરીમૂળ એ પીપરના મૂળ છે. તે મૂળ ગાંઠ વાળી હોય છે. પીપરીમૂળ પીપરના વેલાના મૂળિયા છે. પીપરીમૂળ એક ઘરગથ્થુ દવા છે. પીપરીમૂળ માં રહેલો ગર્ભ ચીકણો, સફેદ, રેસાવાળો સ્વાદે, જલદ હોય છે. એના ગંઠોડા, વાંકા ચૂકા પણ ભૂંગળાની માફકના હોય છે. પીપરીમૂળ ગુણમાં પાચક તથા ઉષ્ણ છે.
પીપરીમૂળનો ઉપયોગ પ્રસૂતાના ગર્ભાશયને પૂર્વ સ્થિતિમાં લાવવા માટે એની રબડી જેવું બનાવીને આપવામાં આવે છે. પીપરીમૂળનો ભૂકો ગોળ અને મધ સાથે લેવાથી ઊંઘ પણ બરાબર આવે છે. પીપરીમૂળ ખાવાથી રુચિ વધે છે અને પાચનશક્તિ મજબૂત બને છે. તે આમદોષ, બરોળ, શૂળ, ઉદરરોગ, વાયુ, કફ, દમ, ખાંસી, આફરો અનિદ્રા મટાડે છે.
તો ચાલો આજે અમે તમને જણાવીએ પીપરીમૂળના સ્વાસ્થ્યને થતા અનેક ફાયદાઓ વિશે. પીપરીમૂળના ચૂર્ણને મધ સાથે ખાવાથી શ્વાસ ની તક્લીફ મટે છે અને સાકર સાથે ખાવાથી અમ્લપિત્તનો નાશ કરી અગ્નિ પ્રદીપ્ત કરી ભૂખ લગાડે છે. વાયુથી કળતર મટાડવા માટે પણ પીપરીમૂળ વપરાય છે. પીપરીમૂળ સંધિવાના દર્દને મટાડે છે.
જીર્ણ જવર માં પીપરીમૂળ કામ લાગે છે. એમાં દીપન, પાચન, ગુણ હોવાથી પ્રસૂતિ પછી તથા ઉદર અને ગર્ભાશયના સંકોચ માટે વાપરવું ફાયદાકારક છે. પીપરીમૂળનું ચૂર્ણ યોગ્ય પ્રમાણમાં લેવાથી મગજની નબળાઈ, ઉન્માદ અને નબળા વિચારો મટી સારી ઊંઘ આવે છે.
ખાંસી માટે પીપરીમૂળ, સૂંઠ અને બહેડાની છાલનું ચૂર્ણ આપી શકાય છે. મરી અને પીપરીમૂળનું ચૂર્ણ લેવાથી ધાવણ વધે છે. જૂની ન મટતી શરદીમાં સૂંઠ અને પીપરીમૂળ ના ચૂર્ણ એક એક ગ્રામ લઈ સહેજ ઘી માં ગોળ પીગળાવી નાની ગોળી બનાવી લેવાથી કાચો કફ થતો અટકે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને શરદી મટે છે. પીપરીમૂળ તથા સૂંઠ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ૨ થી ૩ ગ્રામ જેટલું મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
પીપરીમૂળ નું ચૂર્ણ એકથી બે ગ્રામ જેટલું મધમાં ચાટીને ઉપરથી ગરમ દૂધ પીવાથી તાવ મટે છે. સોજો મટાડવા માટે પીપરીમૂળ ને ઘસીને લગાડવામાં આવે છે. પીપરીમૂળ નો ઉકાળો પીવાથી માસિક સાફ આવે છે. પીપરીમૂળ માસિક ની બધી જ સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો હવે આપણે જાણીએ પીપરીમૂળના વિવિધ પ્રયોગો વિશે વિગતવાર.
પીપરીમૂળ, ઇન્દ્રજવ, દેવદાર, વાવડીંગ, ભાંગરો, સુંઠ, પીપર, મરી, કાયફળ, ભોરીંગણી, અજમો, નગોડ, કરિયાતું, વજ એ દરેક વસ્તુ એક એક તોલો લઈ તેનો કવાથ બનાવવો. આ કવાથના ઉપયોગથી દરેક જાતના દુખાવા મટે છે. આ ઉપરાંત શૂળ, વાઇ, આફરો, આમ, અર્શ, અતિસાર, ઉદરરોગ તથા શિરોરોગ જેવા રોગો મટે છે.
શરીરના કોઈ પણ અંગના વાયુ કે કફ ના સોજા પર પીપરીમૂળને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો તેમજ ગંઠોડા દેવદાર, ચિત્રક અને સૂંઠ નાખી ગરમ કરેલું પાણી જ પીવામાં વાપરવું પીપરીમૂળ, આકડાનું મૂળ, કરેણમૂળ, ઝેરકોચલા, સુગંધીવાળો, દેવદાર, દારૂ હળદર, ચવક, સુંઠ, પીપર, ધોળાવજ એ દરેક એક એક તોલો લઈ તેમા અરડૂસીના રસના બે ટીપા તથા આદુંના રસના બે ટીપા નાખી નાની ગોળી બનાવવી. આ ગોળીના સેવનથી ત્રિદોષ, દુખાવા તથા કફ ઉપાધિથી ઉત્પન્ન થતાં ઉન્માદ, સંધિવા અને શૂળ જેવા રોગો મટે છે.
પીપરીમૂળ, સાજીખાર, જવખાર, સૂંઠ, કાળા મરી, લીંડીપીપર, અજમોદ અને હિંગ એ દરેક ૨૦ ગ્રામ,ચિત્રક, દસ ગ્રામ કાકડાશિંગી ૩૦ ગ્રામ, મોથ- ૪૦ ગ્રામ તથા અતિવિષ ૬૦ ગ્રામ લઈ મધ અને સાકર જરૂરિયાત મુજબનું લઈ ચાસણી કરવી. આ પાક ખાવાથી અપચો મટે છે. આફરો દૂર થાય છે તથા જીર્ણ ઝાડાની વ્યાધિ મટાડવા માટે વપરાય છે.