પરવળ નો આકાર-દેખાવ ધિલોડા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ પથ્ય છે, તેથી તેનું વધારે મહત્ત્વ અંકાયું છે. આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એ વધુ પ્રમાણમાં થાય છે. હવે તો ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં તેનું વાવેતર થવા લાગ્યું છે.
ગુજરાતમાં મોટે ભાગે જુલાઈ—ઑગસ્ટ (અષાઢ માસ )માં તેના નર અને માદા વેલા જુદા જુદા થાય છે. ચાર-પાંચ માદાના વેલા વચ્ચે એક નર નો વેલો રોપવો પડે છે. વેલા મોટા થતાં તેને ટેકાની જરૂર પડતાં કેટલેક ઠેકાણે તારના મંડપ બનાવાય છે. સારી માવજત હોય તો એક એકરે દોઢસોથી બસો પરવળ ઊતરે છે.
પરવળ બે જાતના થાય છે. મીઠાં પરવળ અને બીજા કડવા પરવળ. પરવળ પિત્ત પ્રધાન રોગોમાં વિરેચન માટે અપાય છે. પિત્તજ્વર, જીર્ણજવર, કમળો, સોજો અને ઉંદર રોગમાં તેનાથી વિરેચન થઈ પાચનક્રિયા સુધારે છે. તે પાંડુરોગને માટે પથ્ય, કૃમિ રોગ માં અતિ હિતકર તેમજ બળવર્ધક અને કામવર્ધક છે.
પરવળનું શાક ખાવાથી પાચન શક્તિ વધે છે તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકાર મટે છે. માંદા માણસ માટે તે ખૂબ ગુણકારી છે. ઘીમાં તળી ને બનાવેલું શાક વધારે પૌષ્ટિક હોય છે. 100 ગ્રામ પરવળની છાલમાં 24 કેલરી હોય છે અને તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર હોય છે. આયુર્વેદ મુજબ પરવળમાં ત્વચાના રોગો, તાવ અને કબજિયાતની સમસ્યા દૂર કરવાના ઔષધીય ગુણધર્મો હોય છે.
ભૂરાં ને પાતળા કડવા પરવળ નો ઉકાળો ઝેર ઉતારે છે. માથાની ઉંદરી પર પણ તે ચોપડાય છે. કડવા પરવળ વગડામાં આપમેળે ઉગી નીકળે છે. ગામડાંમાં તેને પંડોળા કે પટોળાં કહે છે. તેનાં ફળ અને વેલા પણ જ્વર નાશક ગણાય છે. કડવા પરવળ કાપી, ખૂબ નિચોવી, કડવાશ કાઢી નાખી તેનું કારેલાંની માફક શાક બની શકે છે.પરવળ પાચક, હૃદયને હિતકારી, વીર્ય વધારનાર, હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ અને ગરમ છે. એ ઉધરસ, લોહીવિકાર, તાવ, ત્રિદોષ અને કૃમિને મટાડનાર છે.
કડવા પરવળ ચોપરા અને ગરમ છે. એ રકત પિત્ત, વાયુ, કફ, ઉધરસ, ખુજલી, કુષ્ઠરોગ, રકતવિકાર, તાવ અને દાહને મટાડે છે. તેના ગર્ભનું ચૂર્ણ એકથી બે રતી એલચી, તજ, લવિંગ વગેરે સાથે અપાય છે.પરવળનું મૂળ સુખેથી રેચ લગાડનાર, તેના વેલા ની નાળ (ડાંડલી) કફને હરનાર, તેનાં પાન પિત્તને હરનાર અને ફળ ત્રણે દોષને મટાડનાર ગણાય છે. કડવા પરવળ, વજ અને કરિયાતુંનો ઉકાળો સર્વ પ્રકારના તાવ પર અપાય છે. તાવ સાથે મળાવરોધ (કબજિયાત) હોય તો વધારે ગુણકારી છે.
કડવા પરવળ અને જવ નો ઉકાળો મધ નાખીને પિવડાવવાથી તીવ્ર પિત્તજ્વર, તૃષા અને દાહને મટાડે છે. કડવા પરવળ ના મૂળ નું પાણી સાકર સાથે આપવાથી પણ પિત્ત જ્વરમાં ફાયદો થાય છે. કડવા પરવળ નાં પાન અને ધાણા નો ઉકાળો પિત જવરમાં અપાય છે.
કડવા પરવળ નાં પાન એક તોલો અને ધાણા એક તોલો લઈ, રાત્રે દસ-બાર તોલા પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, તેમાં મધ મેળવી, ત્રણ ભાગ કરી, દિવસમાં ત્રણ વખત આપવાથી કૃમિ મટે છે. પરવળનું સેવન ત્વચા રોગમાં ફાયદાકારક છે. ત્વચા રોગમાં પરવળ સાથે ગળોનો ઉપયોગ અતિ હિતકારી છે તેમજ તેના પાનના સ્વરસની માલિશ પણ કરાય છે.
કડવા પરવળ અને કડવા લીમડાના ઉકાળાથી ગૂમડાં ને ધોવાથી ગૂમડાંનું દૂર થાય છે. કડવા પરવળ નાં પાનનો રસ માથાની ઉંદરી પર ચોપડવાથી તે મટે છે મીઠાં પરવળનાં ડાળખી સાથેનાં પાન છ માસા અને સૂંઠ છ માસા નો ઉકાળો કરી, તેમાં મધ મેળવી, સવાર-સાંજ પીવાથી કફજ્વર મટે છે, કફ સરળતાથી નીકળે છે, આમનું પાચન થાય છે અને મળાવરોધ મટે છે.