કમળાને સાદી ભાષામાં પીળીયો તરીકે ઓળખવામાં આવે છે. હાલ પાણીથી ફેલાતો રોગ કમળાનું પ્રમાણ વધ્યું છે. પીવાના પાણીમાં કેમિકલ કે ગટરનું પાણી ભળવાથી પાણી પ્રદૂષિત થાય છે અને આ પાણી કમળો થવા માટે જવાબદાર બને છે. કમળાને થતો અટકાવવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.
ઘણા લોકોને પેટમાં ઝીણું ઝીણું દુખ્યા કરે, ભૂખ ન લાગે, શરીરમાં ખૂબ જ નબળાઈ લાગે, સવારે ઊઠયા પછી ઊબકાં આવે, વજન પણ ઘટેલું જણાય. આમ આવા સંકેતો એ કમળો થયા હોવાના લક્ષણો હોઈ શકે છે. કમળો એટલે શરીર ની ચામડી નો રંગ બદલાઈ ને પીળાશ પડતો થાય, આંખ ની કીકી ની આજુબાજુ નો સફેદ ભાગ પીળો થય જાય છે.
લાલ રક્તકણો નાશ થતાં ઉત્પન્ન થયેલા બિલીરૂબિન લીવરમાં આવે છે. લીવરમાં આવેલું બધું બિલીરૂબિન મળ વાટે નિકાલ નથી પામતું, ફક્ત થોડોક ભાગ કિડની વાટે પેશાબ જોડે નીકાલ થાય છે. લાલ રક્તકણો નાશ પામતા બિલીરૂબિનને પ્રોસેસ કરવાની લીવરની એક નિશ્ચિત ક્ષમતા છે. તેથી વધુ બિલીરૂબિન ઉત્પન્ન થયું હોય તો લીવર એને પ્રોસેસ કરીને નિકાલ નથી કરી શકતું.
આમ થવાથી વધારાનું બિલીરૂબિન શરીરમાં ચરબીમાં ભેગું થઈને ચામડીનો રંગ બદલી નાખે છે. આંખમાં બિલીરૂબિનની હાજરી પણ વાતની સાબિતી છે કે બિલીરૂબિન મગજમાં પણ ફેલાય ગયુ છે. આ રીતે ફેલાયેલા કમળાને હેમોલાઈટિક કહે છે. જેના પર કાબૂ મેળવવો મુશ્કેલ છે.
મૂળાના રસમાં એટલી તાકાત હોય છે કે તે લોહી અને લિવરમાંથી વધારાના બિલીરુબીનને કાઢી શકે. દર્દીને દિવસમાં ૨ થી ૩ ગ્લાસ મૂળાનો રસ જરૂર પીવો જોઈએ અને સંપૂર્ણ આરામ કરવો જોઇએ. પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં આપવું જોઇએ. ઉકાળેલું ઠંડુ કરેલું પાણી આપવું, નાળિયેરનું પાણી, શેરડીનો રસ પીવા કરતાં શેરડીને ચૂસીને ખાવાથી વધારે ફાયદો થાય છે.
આહાર વિહારની દૂષિતતા, ખુલ્લા પડેલા ખાદ્યપદાર્થોનું સેવન, બજારની દૂષિત ખાણીપીણી, બરફના ગોળા, વાસી સડેલા આહારનું સેવન, માટી ખાવાની આદત, આલ્કોહોલનું વધુ પડતું સેવન, પીવાનું પાણી દૂષિત હોય તો પણ કમળો થઇ શકે છે. કમળાગ્રસ્ત વ્યક્તિના સતત સંપર્કમાં રહેવાથી પણ કમળો થઇ શકે છે
કુંવારપાઠા ના રસમાં હળદર ભેળવીને પીવામાં આવે તો ફાયદો થશે. કુંવારપાઠું અને ભૃંગરાજ આયુર્વેદિક ઔષધિઓ લીવરના કાર્યને નિયમન કરવામાં ખૂબ ઉપયોગી અને અસરકારક ઔષધિ દ્રવ્ય છે. તેથી બંને ઔષધિનું વૈદ્યકીય સલાહ અનુસાર સેવન કરવાથી કમળામાં બહુ અસરકારક પરિણામ મળે છે.
મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળામાં ફાયદો થાય છે. કમળામાં જ્યારે ભૂખ લાગતી હોય ત્યારે બે ચમચી આદુંનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે સવાર અને સાંજ એમ દિવસમાં બે વખત લેવાથી ભૂખ લાગશે. લીમડાનાં પાનનો રસ તથા મધ સવારમાં પીવાથી કમળામાં ઘણી રાહત મળે છે.
લીંબુ, દાડમ, સંતરા, લીલી દ્વાક્ષ, પપૈયું વગેરે ફળો ખાઇ શકાય. મોળી છાસ પીય શકાય છે. મગ, મગનું ઓસામણ, ખીચડી, ચણા, મમરા, દાળિયા, ધાણી, દૂધી, પરવળ, મૂળાં, કેળાં વગેરે નો આહારમાં ઉપયોગ કરી શકાય છે. આમળા માં પણ વધુ પ્રમાણમાં વિટામીન સી મળી આવે છે. તમે આમળાને કાચા કે પછી સૂકવીને પણ ખાઈ શકો છો. તેના ઉપરાંત તેને લીવર સાફ કરવા માટે તેનો જ્યુસની રીતે પણ ઉપયોગ કરી શકો છો.
ધાણાના બીજને આખીરાત પાણીમાં પલાળીને રાખો અને પછી તેને સવારે પી લો. ધાણાના બીજવાળા પાણીને પીવાથી લીવરમાંથી ગંદકી સાફ થાય છે. જવ તમારા શરીરના લીવરની બધી જ ગંદકીને સાફ કરવાની ક્ષમતા રાખે છે. ટામેટામાં વિટામીન સી મળી આવે છે, જે એક પ્રભાવશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એટલે ટામેટાંનો રસ લીવરને સ્વસ્થ્ય બનાવવામાં લાભદાયક હોય છે.
ભારે તીખા, તળેલા, માસાલાવાળા પદાર્થો સદંતર બંધ કરવા. તડકામાં જવાથી બચવું. ક્રોધને દૂર રાખવો. શરીરને શ્રમ પડે એવું કાર્ય ન કરવું. આલ્કોહોલનો ત્યાગ કરવો. કમળાનો પાવર ચાલતો હોય ત્યારે તકેદારી રૂપે આયુર્વેદિક લીવર ટોનિક ઔષધિઓ જેવી કે કુંવારપાઠું, ભૃંગરાજ, કડુ વગેરેનો ઉપયોગ કરવાથી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાથી કમળાના રોગ સામે રક્ષણ જરૂરથી મેળવી શકાય છે.