વાચો ઝવેરચંદ મેઘાણી ની કલમે લખાયેલી જોગીદાસ ખુમાણ ની શૌર્ય ની વાતો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પરનારી પેખી નહિ, મીટે માણારા !

શીંગી ૨ખ્ય ચળીયા, જુવણ જોગીદાસીઆ !

હે જુવાન જોગીદાસ ! શુંગી ઋષિ જેવા મહા તપસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે ભાણા ! તેં તો પરાયી સ્ત્રી પર મીટ સુદ્ધાંયે નથી માંડી. બે જણા વાતો કરે છે: “ભાઈ, આનું કારણ શુ છે ?” “શેનું ભાઈ ?”

“જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને જ કેમ બેસે છે ! અને માથે ફાળીયું કેમ એાઢી રાખે છે ?” ​“ભાઈ, રામને તે દિ’ સીતાજીની ગોત્ય કરતાં કરતાં માર્ગેથી માતાજીનાં ઘરેણાં લૂગડાં હાથ આવ્યાં, ને પછી લખમણજીને એ દેખાડીને કોનાં છે એમ પૂછેલું તે ટાણે લખમણ જતિએ શો જવાબ દીધો’તો, ખબર છે ?”

“હા, હા ! કહ્યું’તું કે મહારાજ, આ હાથનાં કંકણ, કાનનાં કુંડળ કે ગળાના હાર તો કોના હશે તેની મને કાંઈ ગતાગમ નથી. કેમકે મેં કોઈ દિ’ માતાજીના અંગ ઉપર નજર કરી નથી; પણ આા પગનાં ઝાંઝરને તો હું ઓળખી શકુ છું. રોજ સૂરજ ઉગ્યે હું માતાજીના પગુમાં પડતો ત્યારે ઝાંઝર તો મારી નજરે પડતું’તું !”

“ત્યારે આજ જોગીદાસ પણ એજ લખમણ જતિનો અવતારી પુરૂષ જન્મ્યો છે બાપ ! એને બજાર સન્મુખ નજર રાખી ન પાલવે, એમાં હમણાં હમણાં બે અનુભવ એવા મજ્યા કે આ દુનિયાની માયાથી એ તપસી ચેતી ગયો છે.”

“શા અનુભવ ?”

“એક દિવસ જોગીદાસ જુનીના વીડમાં આંટો લઈને બાબરીયાધાર આવતા’તા. હું પણ ભેળેા હતો. બેય ઘોડેસવાર થઈને આવતા’તા. આવતાં આવતાં જેમ અમે નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી, તેમ તે સૂરજના પચરંગી તેજે હીરા મોતીએ મઢી દીધેલા હોય એવા ઝગારા મારતા એ પાણીના પ્રવાહમાં પીંડી પીંડી સુધી પગ બોળીને એક જુવાનડીને ઉભેલી દીઠી.

અઢારક વરસની હશે. પણ શી વાત કરૂં એના સ્વરૂપની? હમણાં જાણે રૂ૫ ઓગળીને પાણીના વ્હેનમાં વહ્યું જાશે ! સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાઈએ એવું રૂપ : પણ આપાને તો એ વાતનું કાંઈ ઓસાણે ન મળે ! નેરાની ભેખડ્યું અને જીવતી અસ્ત્રી, બેય આપાને તો એકસરખાં. આપાએ ઘોડી પાણીમાં નાખી.

એમાં પડખે ચડીને એ જુવાનડીએ જબ ! દેતી ઘોડીની વાઘ ઝાલી. ધોડીએ ઝબકીને મોઢાની ઝોંટ તો ઘણી યે દીધી, જોરાવર આદમીનું યે કાંડું છુટી જાય એવા જોરથી ​સાંકળ ઉલાળી : પણ એ જુવાનડી તો જળો જેવી ચોંટી જ પડી. આપા જોઈ રહ્યા, આપાની તો અચરજનો પાર જ ન રહ્યો. “હાં ! હાં ! હાં ! અરે બાઈ ! બોન ! બાપ ! મેલ્ય, મેલ્ય, મેલી દે! નીકર ઘોડી વગાડી દેશે.” એમ આપો વિનવવા લાગ્યો.

“નહિ મેલું ! આજ તો નહિ મેલું, જોગીદાસ !”

“અરે પણ શું કામ છે તારે ? કોઈ પાપીઆ તારી વાંસે પડ્યા છે ? તારો ધણી સંતાપે છે ? શું છે ? છેટે રહીને વાત કર. હું તારૂં દુઃખ ટાળ્યા પહેલાં આંહીથી ડગલું યે નહિ ભરું. તું બ્હી મા. ઘોડીને મેલી દે, અને ઝટ તારી વાત કહી દે.”

“આજ તો તમને નહિ છોડું જોગીદાસ ! ઘણા દિ’થી ગોતતી’તી.” “પણ તું છે કોણ ?” “હુ સુતારની દીકરી છું: કુંવારી છું.” “કેમ કુંવારી છો બાપ ? પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી ? તો હું આપું. તું ય મારી કમરી બાઈ”

“જોગીદાસ ખુમાણ ! બોલો મા. મારી આશા ભાંગો મા. હું તમારા શુરાતનને માથે ઓળઘોળ થઈ જવા, મારી જાત્ય ભાત્ય પણ મેલી દેવા ભટકું છું, આમ જુવો જોગીદાસ, આ માથાના મેવાળા કોરા રાખવાનું નીમ લઈને ભમું છું. આજ તું મળ્યે” “અરે મેલ્ય, મેલ્ય મળવા વાળી ! તું તો મારી દીકરી. કમરી કેવા! ”

આટલું બોલી, પોતાના ભાલાની બુડી એ જોબનભરી સુતારણના હાથ ઉપર મારી, ઘોડીની વાઘ ડોંચી, આપા જોગીદાસે ઘોડી દોટાવી મેલી. પાછું વાળી ન જોયું, પછી સાંજરે બેરખાના પાર પડતા મેલતા મેલતા સુરજનો જા૫ કરતા’તા, ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જાતા’તા કે “હે બાપ ! મારૂં રૂપ ​આવડું બધું કુડું હશે એ મેં નહોતું જાણ્યું. મોઢું તરવારથી કાપીને કદરૂપું કરવાની તો છાતી નથી હાલતી, પણ આજથી તારી સાખે નીમ લઉ છું કે કોઈ પરનારીની સામે અમથી અમથી યે મીટ નહિ માંડું.”

અને બીજી વાત તો એથી યે વસમી બની ગઈ છે. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દિ ઓચીંતુ તૂટી પડ્યું. એક ગામને પાદર નદીકાંઠે એક દિ’ સાંજટાણે પનીઆરીયું આછા વીરડા કરીને પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળુ હાંડા ઉટકાઈને ચકચકાટ કરતા હતા.

આછરતા વીરડા, ઉટકેલાં બેડાં, મોતીની ઇંઢોણીયું, નમણાં મોઢાંવાળી ગામની બેન્યુ દીકરીયું, ને એ સહુને માથે જ્યોત પ્રગટાવતા સૂરજ મહારાજ : એ રૂડો દેખાવ આપો ય જોવા લાગ્યા. ઓલ્યા નીમનું ઓસાણ ચૂકાઈ ગયું. પોતાને ઘરેથી આઈ અને દીકરીઓ બધાં આવે નદીકાંઠે બેસીને કિલોળ કરતાં હોય, એવી ઉમેદ થઈ આવી. પણ એ તો બચાડાં ચોર બનીને ભાટકતાં’તાં.

ઘેરે આવીને જેગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે. રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખેામાં મરચાંના બુકાનું ભરણું ભર્યું – પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઉઠ્યા ત્યાં તો આંખો ફુલીને દડા થયેલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે “અરે ! અરે ! જેગીદાસ ! આ શો કોપ થયો ?”

“કાંઈ નહિ બા ! ઈ તો આંખ્યુંમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું’તું, તે નીતારી નાખ્યું !” આવો નીમાધારી પુરૂષ, લગરીકે ચૂક ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પારોઠ દઈને બેસે છે ભાઈ !

નાંદુડી ગાળીમાં આ પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે. વીરડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસઈથી ભાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણઃ એમ હાદા ખુમાણના દીકરા આજ બહારવટું ખેડતા ખેડતા થોડોક વિસામો લેવા માટે ​ભેળા મળીને નાંદુડી ગાળીએ હુતાશણી રમે છે. કોયલેને ટૌકે કોઈ આંબેરણ ગાજતું હોય તેમ શરણાઈઓના ગહેકાટ થાય છે, બરાબર તે સમયે એક અસવારે આવીને નિસ્તેજ મ્હોંયે સમાચાર દીધા કે “બાપુ હાદો ખુમાણ ધુધરાળે દેવ થયા.”

“બાપુ દેવ થયા ? બાપુને તો નખમાં ય રોગ નો’તો ને ?” “બાપુને ભાવનગરની ફોજે માર્યાં.” “દગાથી ? ભાગતા ભાગતા ? કે ધીંગાણે રમતા ?” “ધીંગાણે રમતા.” “કેવી રીતે ?”

“ફોજે ધુધરાળાની સીમ ઘેરી લીધી બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું, એના મનથી તો ઘણીય એવી ગણતરી હતી કે જીવતો ઝલાઈ જાઉં. અને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાને હુકમ હતો. પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યાં. વાડીએ બાપુ હથીઆર છોડીને હાથકડી પહેરી લેવા લલચાઈ ગયા તે વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે

સો ફેરી શિરોહની લીધેલ ખૂમે લાજ, (હવે) હાદલ કાં હથીઆર મેલે અલણરાઉત !

હે આલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ ! સો સો વાર તો તું શિહો૨ ઉપર તુટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છો; અને આજ શું તું તારાં હથીઆર મેલીને શત્રુઓને કબજે જઈશ ?

આવાં આવાં બિરદ દઈને બાપુનાં રૂંવાડા બેઠાં કર્યા. અને બાપુ એક સો બાર વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઉઠ્યા. એણે હાકલ કરી કે “ભૂપતા ! ફોજને હવે સાદ કર ઝટ.” ભૂપતે સાદ કર્યો કે “એ ભાઈ ! ફોજવાળાઓ ! આ રહ્યો તમારો બાપ ! આવો ઝાલી લ્યો.” ફોજને આંગળી ​ચીંધાડી બાપુ બતાવ્યા. અને એકલે પડ્યે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાળવા મંડ્યા. સામી છાતીએ લડીને *[૧]ફુલધારે ઉતર્યા.

“બસ ત્યારે !” જોગીદાસ બોલી ઉઠ્યો, “પૂરે ગઢપણે આપણો બાપ ફુલધારે ઉતરી ગયા, એ વાતના તે કાંઈ સોગ હોતા હશે ? એનાં તો ઉજવણાં કરાય. માટે હવે તો મોકળે મને આઠ આઠ શરણાઈયું જોડ્યેથી વગડાવો !”

“પણ આપા !” કાસદીઆએ કહ્યું, “બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ.”

જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામૂલા માથાના બુરા હાલ સાંભળતાં એનો કેડો સળગી ઉઠ્યો. પણ નાહિમ્મતનું વચન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખુટવાની ધાસ્તી હતી. એ કારણથી પોતે મનની વેદના મનમાં શમાવીને કહ્યું “હશે બાપ ! ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકત ? ભલે હવે એ સાવઝના મ્હોંને નિરખી નિરખીને જોતાં.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top