હિંગ બે જાતની થાય છે. સુગંધી તથા દુર્ગધી. સુગંધી હિંગ સફેદ અંજુદાનનો ગુંદર છે અને દુર્ગધી હિંગ તે કાળા અંજુદાનનો ગુંદર છે. બંને જાતમાં વાસ ઘણી છે. દુર્ગધી હિંગમાં જે સાફ, પારદર્શક, રતાશ પડતો વાસવાળો જલદ હોય એ પાણીમાં નાખી પીવાથી દૂધ જેવો થઈ જાય છે.
હલકી જાત ની હિંગ નો રંગ લીલો તથા વાસ-ગંદી હોય છે. હિંગ ના ઝાડ અફઘાનિસ્તાન, પંજાબ વગેરે પ્રદેશમાં થાય છે. હિંગનાં ઝાડને કાપા મારી ત્યાંથી ઝરતો રસ – ગુંદરના રૂપમાં મળે છે. તે હિંગ સાચી હિંગ છે. આ હિંગ તેજ વાસદાર વળી હોય છે. એક રાઈના દાણા જેટલી પણ મોઢામાં રાખવાથી ખૂબ તમ તમાટ તથા દાહ પેદા થાય છે.
દવામાં આ હિંગનો ઉપયોગ બરાબર થાય છે. હિંગનો આપણે વઘારમાં – મસાલામાં પણ ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જાણીશું હિંગના ઉપયોગો અને તેના ફાયદાઓ વિશે વિગતવાર. હિંગ ઉષ્ણ, વાતહર, કૃમિક, પેટ તથા આંતરડા ને ઉત્તેજક કરે છે. એ સારું પાચન કરનાર છે. ગર્ભાશય માટે ઉત્તેજક તથા મજ્જાતંતુ પર એકદમ અસર કરનાર છે. તે કફને પાતળું કરી બહાર કાઢે છે.
પેટનાં કૃમિ મટાડવા હિંગનો ઉપયોગ થાય છે, એનો સારું-પાચન તથા વાતહર ની દવામાં ઉપયોગ થાય છે. કોલેરાની દવાઓમાં હિંગ ઘણી જ સારી હોવાથી એનો ઉપયોગ કરવામાં આવે છે. હિસ્ટીરિયા ની દવામાં પણ હિંગનો ઉપયોગ કરવાથી સારો લાભ થાય છે.
પીડા, પેટનો વાયુ, શૂળ, અપચો, આફરો, છાતી માં ગભરાટ વગેરે ફરિયાદ માટે હિંગ સારી દવા છે. સાયટીકા, વા, આંચકી, તાણ કે પક્ષાઘાત વગેરે વાતરોગમાં હિંગ વાપરવાથી ઘણો લાભ થાય છે. પેટનાં વાયુ માટે હિંગ ની બનાવટનું હિંગ્વાષ્ટક ચૂર્ણ પ્રસિદ્ધ છે.
કપૂર તથા હિંગ સરખે ભાગે લઈ મેળવી તેની મધમાં નાની ગોળી બનાવવી, આ ગોળી એકથી બે લેતાં હિસ્ટીરિયા માં, શ્વાસનળીના રોગોમાં ખાસ કરીને પેટની પીડા, માસિક સમયની તકલીફ, હૃદયરોગ વગેરેમાં આ ગોળી સારું કામ આપે છે.
પાચનની દવાઓમાં હિંગ હોય છે. હિંગને પીવાથી શરદીના મગજની વ્યાધિ જેવી કે અપગવાયુ, વગેરેમાં ફાયદો થાય છે. જૈતુનના તેલમાં હિંગને મિક્સ કરીને કાનમાં નાખવાથી કાનના તમામ રોગોમાં રાહત થાય છે. હિંગને પાણીમાં પલાળીને પીવાથી અવાજ સાફ થાય છે. હિંગનો અંજીર સાથે ઉપયોગ કરવાથી કમળામાં પણ રાહત થાય છે.
હિંગ, પીપર, અજમો, બોડી અજમો, સંચળ આ બધી વસ્તુઓ દસ દસ ગ્રામ લેવી. શાહીજીરું ૧૫ ગ્રામ, સુંઠ, મરી પણ દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના સેવનથી પેટમાં ચૂંક આવતી હોય તે મટે છે. આફરામાં પણ રાહત રહે, અજીર્ણ અને ઊલટીમાં પણ એ સારી અસર કરે છે. શૂળ નીકળતું હોય તેમાં ઘણો સારો ફાયદો જણાય છે.
હિંગ, પીપરી, મરી, બોડી અજમો, જીરું, શાહજીરું તથા સિંધાલૂણ સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ભોજન સમયે ઘી તથા ભાત, સાથે ખાવાથી અજીર્ણ, મંદાગ્નિ, મૂચ્છ, પાંડુ, આમ અને ગુલ્મ વગેરે રોગોમાં ઘણી રાહત રહે છે.
શેકેલી હિંગ, પહાડમૂળ હિમેજ, ધાણા, ચિત્રક, કચૂરો, અજમોદ, સૂંઠ, મરી, પીપર, તુલસી, જીરું, વજ, સાજીખાર, જવખાર, સિંધાલૂણ, સંચળ, મીઠું વગેરે ઔષધો દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ભોજન લીધા પહેલાં અથવા વચ્ચે લેવાથી ફાયદો થાય છે.
કોલેરાનો રોગચાળો હોય ત્યારે કપૂર તથા આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના પાનના રસમાં મિક્સ કરો. આ મિશ્રણની ગોળી બનાવીને લેવાથી ફાયદો થાય છે. કબજિયાત હોય અથવા હરસની તકલીફ હોય ત્યારે હિંગ ૧૫ ગ્રામ, મધ ૨૦ ગ્રામ, સિંધવ ૧૦ ગ્રામ ઘીમાં મેળવીને ગોળી બનાવી પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. હિંગ ની બનેલી ગોળી આપવાથી ગમે તે પ્રકારની ઊલટી બંધ થાય છે.
ખોરાક લેતા પહેલા માખણ સાથે ઘીમાં શેકેલી હિંગ અને આદુનો ટુકડો લો. આનાથી તમારી ભૂખ વધશે.ખોરાકમાં હિંગ ખાઓ અથવા તેને પાણીમાં ભેળવીને પીવો. બંને તમારા શરીર માટે ફાયદાકારક છે. હીંગનું પાણી શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
કૂતરું કરડે તો હિંગ ફાયદાકારક છે. હિંગને પાણીમાં પીસી લો અને કૂતરું કરડ્યું હોય તે સ્થળે લગાવશો તો ફાયદો થશે. હીંગ ને ગરમ પાણી સાથે મિક્સ કરો અને પાંસળી પર માલિશ કરો. તેનાથી પીડામાં રાહત મળે છે.