બીજોરા નું ઝાડ એકંદરે લીંબુ ના ઝાડ જેવું જ હોય છે. તેની ડાળીઓ પાતળી તથા એકબીજા સાથે મળેલી હોય છે. પાંદડાં થોડા લાંબા તથા પહોળા ને દાંતવાળા હોય છે. રંગે લીલા હોય છે. તેનું ફૂલ લાંબુ બારીક હોય છે. તેના ફળ લગભગ એકાદ કિલો વજનના હોય છે.બિજોર ને સંસ્કૃત માં માતુલુંગ, બીજપુર અને અંગ્રેજી માં સાઇટ્સ કહેવામાં આવે છે. દવામાં એનાં પાન, ફળ, ફૂલ, છાલ સર્વત્ર વપરાય છે. બિજોરાના ફળની છાલ ખૂબ જ ખરબચડી થાય છે. અંદરથી બી નીકળે છે. તેને સંતરા અને મોસંબી ની અંદરની કળા સાથે સરખાવી શકાય.
બિજોરાનાં મધ્યમ કદનાં ઝાડીદાર વૃક્ષો હિમાલયમાં ગઢવાલથી સિક્કિમ સુધી ચાર હજાર ફૂટની ઊંચાઈ સુધી વિશેષ પ્રમાણમાં થાય છે. ભારતમાં હવે તો તે સર્વત્ર થાય છે. તેનાં પાંદડા, ફૂલો વગેરે સાદા લીંબુ જેવા જ હોય છે. ફળ લંબગોળ, ઘણા બીજવાળા અને વજનમાં બસોથી ત્રણસો ગ્રામનાં થાય છે.
પાકું બિજોરું સ્વાદમાં મધુર અને ખાટું, ગરમ, પચવામાં હળવું, સ્વાદિષ્ટ, પાચક અને રુચિકર, જીભ, કંઠ અને હૃદયને શુદ્ધ કરનાર તથા બળપ્રદ છે. તે અજીર્ણ, કબજિયાત, દમ, વાયુ, કફ, ઉધરસ, અરુચિ અને ઉદરશૂળનો નાશ કરે છે. કાચું બિજોરું ત્રિદોષવર્ધક અને રક્તને દૂષિત કરનાર છે. બીજોરાનાં બીજ સ્વાદમાં કડવા, ગરમ, પચવામાં ભારે, ગર્ભપ્રદ તથા બળપ્રદ છે.
રાસાયણિક દ્રષ્ટિએ બીજોરાનાં રસમાં સાઈટ્રીક એસિડ, ખૂબ થોડું સલ્ફ્યુરિક એસિડ અને શર્કરા હોય છે. ફળની છાલમાં એક સુગંધિત તેલ રહેલું હોય છે. આ તેલમાં સાઈટ્રિન ૭૬%, સાઈટ્રોલ ૭-૮%, સાઈમીન, સાઈટ્રોનેલાલ વગેરે તત્ત્વો હોય છે.
મૂત્રમાર્ગની પથરીમાં બિજોરું ઉત્તમ પરિણામ આપે છે. બીજોરાનો રસ પાથરીને તોડી-ઓગાળીને બહાર કાઢે છે. પથરી જો બહુ મોટી ન હોય તો બિજોરાનાં બે ચમચી જેટલાં રસમાં ચપટી જવખાર કે સિંધવ મેળવીને દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી થોડા દિવસમાં મૂત્રમાર્ગની પથરી નિકાલ પામે છે.
એપિલેપ્સી એટલે કે વાઈની તકલીફમાં બિજોરાના રસનું સેવન ઘણો લાભ થાય છે. એક-એક ચમચી બિજોરા, નગોડ અને લીમડાનો રસ મિશ્ર કરીને થોડા દિવસ સવાર-સાંજ પીવાથી વાઈ (એપિલેપ્સી) મટે છે. સાથે બિજોરા અને નગોડનાં પાનનો રસ સરખા ભાગે મિશ્ર કરીને તેનાં ત્રણ-ત્રણ ટીપાં નાકમાં બંને બાજુના નસકોરાંમાં પાડવાથી ઝડપથી પરિણામ આપે મળે છે.
ગર્ભ ન રહેતો અથવા ગર્ભ રહ્યા પછી એકાદ બે સપ્તાહમાં જ કસુવાવડ થઈ જતી હોય તેમના માટે બિજોરાનાં બીજ આશીર્વાદ સમાન છે. બિજોરાનાં બીજ અને નાગકેસર સરખા ભાગે લાવી, તેમનું ચૂર્ણ બનાવી લેવું. માસિકધર્મ પછી પાંચથી છ દિવસ રોજ એક ગ્રામ જેટલું આ ચૂર્ણ દૂધ સાથે લેવું. એ પછી સમાગમ કરવાથી ગર્ભ રહે છે તથા કસુવાવડ થતી નથી.
બિજોરું ચોમાસામાં થતી શરદી અને ઉધરસનું અક્સીર ઓષધ છે. બિજોરાનાં રસમાં સૂંઠ, આમળા અને પીપરનું સમભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું અને થોડું મધ મેળવીને સવાર-સાંજ પીવાથી બે-ચાર દિવસમાં જ શરદી, ઉધરસ, કફ વગેરે મટે છે.
બિજોરું ઉત્તમ પિત્તશામક ઓષધ છે. પિત્તનાં બધા રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. પિત્તની વૃદ્ધિ થઈ હોય અને તેને લીધે આખા શરીરમાં દાહ-બળતરા થતી હોય તો એક ગ્લાસ પાણીમાં થોડો પાકા બિજોરાનો રસ અને સાકર મેળવી, શરબત જેવું બનાવીને પી જવું. પિત્ત અને તેને લીધે થતી બળતરા શાંત થઈ જશે. પાકા બીજોરાનાં રસનું આ શરબત અમ્લપિત્ત-એસિડિટીમાં પણ ઘણો ફાયદો આપે છે.
આ ફળનુ અથાણુ એ અજીર્ણની સમસ્યા દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત સૂકા બીજોરાનો ઉકાળો પિત્તની ઉલટીની સમસ્યાને દૂર કરે છે. આ ફળનુ ચાવીને સેવન કરવાથી મોઢામા આવતી દુર્ગંધ દૂર થઇ જાય છે. એની પીળી છાલ હૃદય, મગજ, ઠંડા યકૃતને તેમજ જઠરને તથા નાના આંતરડાને બળ આપે છે. આ સિવાય તે તમારી પાચનશક્તિ પણ મજબુત બનાવે છે. આ સિવાય કોઢની સમસ્યાને દૂર કરવા માટે પણ તે અસરકારક સાબિત થાય છે.
નારંગીની માફક બીજોરનુ સેવન કરવામા આવતુ નથી પરંતુ, તેનો રસ સાકર સાથે લેવાથી દાહની સમસ્યા દૂર થાય છે. ગરમીની ઋતુમા તેના રસનુ સેવન કરવાથી મગજને રાહત મળે છે અને તરસ પણ છીપાય છે. આ ફળના મૂળ, મહુડાની છાલ અને જેઠીમધ એકસાથે મિક્સ કરી તેનુ ચૂર્ણ તૈયાર કરી ગર્ભવતી સ્ત્રીને સેવન કરાવવામા આવે તો તેને પ્રસુતિ સમયે થતી પીડામા રાહત મળે છે.
જો તમે બીજોરું ૨૫ ગ્રામ, હીમેજ ૨૦ ગ્રામ અને સૂંઠ તથા પીપરીના મૂળ ૧૫ ગ્રામ લઈ તેને પીસીને ચૂર્ણ તૈયાર કરીને આ ચૂર્ણનુ નિયમિત સેવન કરો તો તમને સૂકી ઉધરસ તથા છાતીના દુ:ખાવામા રાહત મળે છે. જો તમે બીજોરાના પાનનો રસ, આંબાના પાન નો રસ તથા જાંબુનાં પાનનો રસ એકસમાન માત્રામાં મિક્સ કરી તેમા સાકર ભેળવી તેનુ સેવન કરો તો ઉલટીની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત બીજોરાના મૂળને પીસીને તેનુ ચૂર્ણ તૈયાર કરી આ ચૂર્ણ વહેલી સવારે ભૂખ્યા પેટે સેવન કરવાથી તમારી પાચનશક્તિ મજબુત બને છે.