પ્રદુષણના કારણે મહિલાઓને કેટલીક ત્વચાની સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાથી એક ચહેરા પર કાળા કુંડાળા, કાળા ડાઘ થવા. ચહેરા પર રહેલા ડાઘ-ધબ્બા સુંદરતા ખરાબ કરી દે છે. ખાસ કરીને આ સમસ્યા હોર્મોનલમાં બદલાવ, પ્રદુષણ અને સ્કિન એજિંગના કારણે થાય છે.
યુવતીઓ આ સમસ્યાને દૂર કરવા માટે મોંઘામાં મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલાક સહેલા ઘરેલું ઉપાયથી તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. રોજ રાત્રે દસ-બાર દાણા કાળી દ્રાક્ષ પલાળી રાખી, સવારે તને મસળી તેને એક ચમચી આમળા ચૂર્ણની સાથે સેવન કરવાનો પ્રયોગ લાંબા વખત સુધી ચાલુ રાખો. તાંદળજાની ભાજીનો સૂપ પીવો.
લોહીની ઊણપવાળાએ ગાજરનો રસ પીવો. તેનાથી આંખના કાળા કુંડાળા દૂર થાય છે. ચંદન, હળદર, દારુહળદર, અર્જુન અને નિર્મળીના બીજનાં પાઉડરને દૂધમાં પીસી તેનો લેપ લગાવવાથી આંખના કાળા કુંડાળા દૂર થાય છે. કાચા બટેટાને સૂક્ષ્મ ખમણીને તેની પેસ્ટ બનાવો તેનો લેપ કરવાથી કુંડાળા મટે છે.
કોથમીરનો રસ નિયમિત લગાવવાથી પણ કાળા કુંડાળા સારા થાય છે. સંતરાની છાલ તથા લીંબુની છાલના ચૂર્ણમાં કાકડીનો રસ નાખી તેનો લેપ કરવાથી કાળા કુંડાળા મટે છે. બદામનાં તેલ કે ઓલિવનાં નિયમિત મસાજનાં લીધે કાળા કુંડાળા મટે છે. ઇનુદી ફૂલની મજજાને ખૂબ ઠંડા પાણીમાં ખૂબ લસોટીને એકવીસ દિવસ સુધી લગાવવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે.
ફુદીનાની પેસ્ટ ન ફક્ત ચહેરા પરના ડાધ-ધબ્બા દૂર કરે છે. પરંતુ તેના ઉપયોગથી ત્વચાને ફ્રેશ લુક પણ મળે છે. ફુદીનાના પાનમાંથી રસ નીકાળીને તેને ચહેરા પર અડધો કલાક લગાવીને રાખો અને ત્યાર પછી ચહેરો બરાબર ધોઇને સાફ કરી લો. અઠવાડિયામાં 3 વખત તેનો ઉપયોગ કરવો જોઇએ.
તરબૂચનો ૨સ પણ ત્વચાની કાળાશ દૂર કરવામાં ઘણો ઉપયોગી છે. તરબૂચનો રસ કાઢી તેને કાળી પડી ગયેલી ત્વચા પર લગાવી પંદર મિનિટ રહેવા દો. સૂકાઈ ગયા બાદ ધોઈ નાખો. તેનાથી ત્વચાની કુદરતી ચમક પાછી આવે છે અને કાળાશ દૂર થાય છે.મસૂરની દાળનો લોટ, ચંદન, હળદર અને ઈંડાની સફેદીમાં લીંબુનો રસ મેળવીને તેનો લેપ લગાવવાથી કાળા કુંડાળામાં લાભ થાય છે.
કાળી પડી ગયેલી ત્વચા પર લીંબુનું ફાડિયું ઘસવાથી ધીમે ધીમે કાળાશ ઘટતી જાય છે. મુલતાની માટી, હળદર, ચંદન, મજીઠ તથા અર્જુન છાલનાં ચૂર્ણમાં દૂધ મેળવી તેનો લેપ બનાવી ઉનાળામાં નિયમિત રીતે લેપ લગાવતા રહેવાથી કાળી પડી ગયેલી ત્વચા સારી થાય છે.
મજીઠ, ચંદન, હળદર, ઘોડાવજ અને વિદારી કંદ ચૂર્ણને ભૂરા કોળાના રસમાં લસોટી લેપ બનાવીને લગાવતા રહેવાથી કાળા કુંડાળા સારા થાય છે. છાશમાં રહેલા બ્લીચિંગ પ્રોપર્ટીજ ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે. રોજ ચહેરાને બરાબર ધોઇને કોટનની મદદથી તેને ડાઘ-કુંડાળા પર લગાવો અને સૂકાઇ ગયા બાદ તેને ધોઇ લો. અઠવાડિયામાં તમને ચહેરા પર ફરક જોવા મળશે.
બે નાની ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર, દસ ટીપા ગુલાબ જળ તથા દસ ટીપા લીંબુ ભેળવી ખૂબ હલાવો. સ્નાન પહેલા આ લેપને જે ભાગ કાળો પડી ગયો હોય ત્યાં લગાવો અને અડધા કલાક પછી ધોઈ લો. આવું કરવાથી કાળાશ દૂર થઈ જશે. તાજા પાકા ટામેટાની ચીર લઈ તેને કુંડાળા પર હળવા હાથે ઘસવાથી ધીમે ધીમે કુંડાળા ઓછી થાય છે.
ફકત કાકડીનો રસ લાંબા વખત સુધી કાળા કુંડાળા પર લગાવવાથી ઘણો લાભ થાય છે. તુલસીનાં પાનના ૨સને ખમણેલા નાળિયેરમાં મેળવી તેની પેસ્ટ બનાવીને લગાવવાથી કાળા કુંડાળા સારા થાય છે. ચારોળી અને જાયફળને દૂધમાં પીસીને તેનો લેપ લગાવવાથી ધીમે ધીમે કાળા કુંડાળા મટે છે. અર્જુન વૃક્ષની છાલ દૂધમાં પીસીને કાળા ડાઘ પર લગાવવાથી કાળા ડાઘ મટે છે.
કોઠાનાં પાનનો રસ દરરોજ કાળા ડાઘ પર લગાવવાથી ડાઘ સારા થાય છે. દારૂ હળદર, હળદર, જેઠીમધ, પીતચંદન, પતંગ, ગુલબંકાવલી, મજીઠ, કમળ, કેસર, કપિત્થ, હિંદુક, પ્લેક્ષપત્ર તથા વડનાં કોમળ અંકુરને લસોટી, તેનાથી ચારગણા તલનાં તેલ અને આઠ ગણા ગાયના દૂધમાં ભેળવી, તેનો તેલપાક વિધિથી બનતા તેલને હરિદ્રાદિ તેલ કહે છે. આ તેલ કાળા ટપકાં, ડાઘ, ધબ્બાને દૂર કરનાર છે.
કાકચ કે કાચના ના બીજનું તેલમાં મોં પરનાં ડાઘ પર લગાવવાથી ઘણો લાભ થાય છે. મુખની ચમક વધારવા માટે દરરોજ કઠ ચૂર્ણને જેઠીમધનાં ચૂર્ણ સાથે ગુલાબજળમાં લસોટીને લેપ લગાવવો. મોસંબી એટલું જ સ્વાદિષ્ટ છે જેટલું તે ફાયદાકારક છે. ગ્લિસરિનમાં મોસંબીનો રસ મિક્સ કરો અને જ્યાં આંખની નીચે કાળા કુંડાળા હોય ત્યાં મસાજ કરો. આનાથી કાળા કુંડાળા ઝડપથી દૂર થાય છે.