મળી ગયું લીવર, આંતરડા અને સ્નાયુના ગંભીર રોગોનું મુખ્ય કારણ, એકવાર વાંચવા જેવી જોરદાર માહિતી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દર વર્ષે વિશ્વભરમાં જેટલા વાહન અકસ્માતો થાય છે એમાંથી અડધોઅડધ અકસ્માત માટે દારૂ જવાબદાર હોય છે. આ જ રીતે, મોટાભાગની ઘરની અંદર કે ઘરની બહાર થતી મારામારી અને ખૂન પાછળ પણ દારૂ જ જવાબદાર હોય છે. દારૂની ખરાબ અસર શરીરના દરેકે દરેક તંત્ર પર થાય છે.

દારૂ પીવાને કારણે નિર્ણય શકિત, નિરીક્ષણ શકિત, એકાગ્રતા અને પ્રતિભાવ ક્ષમતામાં શુક્ષ્મ ઘટાડો થાય છે. વ્યકિત પોતાનો મૂડ કાબૂમાં રાખવા અસમર્થ બની જાય છે. શારીરિક અને માનસિક કાર્યક્ષમતામાં દારૂ પીવાથી ઘટાડો થાય છે. જે વ્યક્તિ ટેન્શન-ચિંતાને કારણે સમાજમાં હળભળી ન શકતો હોય એને દારૂ લેવાથી શરૂઆતમાં ટેન્શન-ચિંતા ઘટી ગયેલાં જણાય છે, અને બોલવામાં રહેલ માનસિક નિયંત્રણ કે શરમ ઘટી જાય છે.

દારૂ પીવાથી જોવાની ક્ષમતા ઘટી જાય છે. રાતના ડ્રાઇવિંગ દરમિયાન દારૂ પીધો હોય તો આંખમાં હેડલાઇટનો પ્રકાશ ગયા પછી ફરીથી સામાન્ય દેખાવાનું શરૂ થતાં વધુ સમય લાગે છે. સ્વાદ, ગંધ અને શ્રવણ શક્તિમાં ઘટાડો થાય છે. સ્નાયુઓનું અંદરો અંદર કામ ઘટે છે. સ્થિર ઊભા રહેવામાં અને કોઈપણ પ્રતિક્રિયા કરવામાં તકલીફ પડે છે. પોતાની ભૂલોને નજર અંદાજ કરવી અને કામ કરવામાં વધુ પડતો આત્મવિશ્વાસ દારૂ પીવાથી આવે છે જે છેવટે કામની ગુણવત્તા ઘટાડી નાંખે છે.

દારૂના લાંબા ગાળાના વપરાશથી મગજ પર ખૂબ જ ખતરનાક અસરો થાય છે. યાદશકિતનો નાશ થાય અને શરીરનું સમતોલન જાળવવામાં તકલીફ પડે છે. આંખના ડોળાની ગતિ દરેક દિશામાં નથી થઈ શકતી અને શરીરનું સમતોલન જળવાતું નથી.

દારૂની સૌથી વધુ ગંભીર અસર લિવર પર થાય છે. દારૂને કારણે લિવરમાં ચરબીનો ભરાવો થાય છે, લિવર પર સોજો આવે છે અને સિરોસિસ તરીકે ઓળખાતી લિવરની ગંભીર તકલીફ ઊભી થાય છે. સિરોસિસ થવાને કારણે લિવરનું મોટાભાગનું કામકાજ ખોરવાઈ જાય છે, પેટમાં પાણીનો ભરાવો (જલોદર) થાય છે અને લોહીની ઊલટી થાય છે, જે કયારેક જીવલેણ બની શકે છે.

દારૂ પીવાથી બ્લડપ્રેશર વધે છે. આ ઉપરાંત ચામડીની રકતવાહિનીઓ પહોળી થાય છે જેને કારણે સહેજ ગરમાવો અનુભવાય છે, પરંતુ એનાથી શરીરની ગરમી જલદી ઘટવા લાગે છે. વધુ પડતી ઠંડીમાં દારૂ પીવાથી શરીર વધુ ઠંડુ પડવા લાગે અને એને કારણે મૃત્યુ પણ થઈ શકે છે.

દારૂ પીવાથી હૃદયના સ્નાયુઓ ઉપર સીધું નુકસાન થાય છે જે અમુક દર્દીઓમાં હૃદય પહોળું કરી નાંખીને હૃદયની બીમારી ઊભી કરે છે. આલ્કોહોલિક કાર્ડિયોમાયોપથી તરીકે ઓળખાતી આ અસાધ્ય બીમારી ને લીધે હૃદયનું પમ્પીંગ બરાબર થઈ શકતું નથી જેને કારણે સોજા આવવાની અને શ્વાસ ચઢવાની તકલીફો ઊભી થાય છે. દારૂના સેવનથી હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ જવાની શક્યતા વધે છે.

દારૂ પીવાથી જઠરની અંત:ત્વચાને નુકસાન પહોંચે છે. એક વખત બરાબર દારૂ પીધા પછી જઠરની અંદર નાના નાના લોહીના ટશિયા ફૂટે છે અને સોજો આવી જાય છે. કાયમી દારૂના વ્યસનીમાંથી ૬૦ ટકા જેટલા લોકોને જઠર પર સોજો અને એસીડીટી કાયમ માટે રહે છે. એસિડિટીને કારણે ક્યારેક ઉલટી પણ થાય છે. આ ઉપરાંત લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધી જાય તો એની મગજ પર સીધી અસર થાય છે જે ઊલટીની શરૂઆત કરાવે છે.

લિવર, સ્વાદુપીંડ અન્નનળી, જઠર, ગળા અને સ્તનનાં કેન્સર થવાની શક્યતા દારૂ પીવાથી ખૂબ વધી જાય છે. દારૂ પીવાને કારણે શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય છે. વળી જ્યારે વધુ પ્રમાણમાં દારૂ પીવામાં આવે ત્યારે કિડની દ્વારા યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે.

લોહીમાં યુરિક એસિડ વધી જાય ત્યારે એ હાથ-પગની આંગળીના સાંધાઓમાં જમા થાય છે અને ખાસ તો પગના અંગુઠાના મૂળ પાસેના સાંધા પર અચાનક સોજો અને દુખાવો થવા લાગે છે. ગાઉટ તરીકે ઓળખાતો સાંધાનો આ દુખાવો દારૂ બંધ કરી દેવાથી ઓછો થઇ જાય છે.

હાથ-પગના સ્નાયુઓ નબળા પડવાનું, દુખવાનું કે સોજો આવવાનું  કારણ દારૂ બને છે જે આલ્કોહોલિક માયોપથી તરીકે ઓળખાય છે. દારૂ પીવાથી હાડકાંનું કેલ્શિયમ ઘટે છે અને થોડીક ઇજા થવાથી ફેકચર થવાની શકયતા વધી જાય છે. હાડકાંની અંદર અસ્થિ મજામાં શ્વેતકણો અને રકતકણોનું ઉત્પાદન દારૂ પીવાથી ઘટી જાય છે.

દારૂ પીવાથી પેશાબ વધુ થાય છે. પરંતુ પેશાબ વાટે ક્ષારને બદલે પાણી વધુ નીકળે છે. દારૂથી જાતીય આવેગ અને ઈચ્છા વધે છે પરંતુ જાતીય સમાગમ સારી રીતે થઇ શકતો નથી. અન્ય શારીરિક ક્ષમતા ઘટવા સાથે જાતીય-ક્ષમતા પણ ઘટે છે. લાંબે ગાળે નપુંસકતા પણ આવે છે.

દારૂ પીવાને કારણે સોરાયસીસ તરીકે ઓળખાતી ચામડીની તકલીફ થવાની શક્યતા વધી જાય છે. દારૂ પીવાને લીધે અનેક જાતની શારીરિક માનસિક બીમારીઓ આવે છે. દારૂ પીવાની લત કે વ્યસન પણ એક પ્રકારની માનસિક બીમારી જ છે જેમાંથી છૂટવું મુશ્કેલ હોય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top